કુંભ અને વૃષભ રાશિ વચ્ચે સુસંગતતા
વૃષભ જાતક તંદુરસ્ત અને જોમ ઊત્સાહથી ભરપુર હોય છે તથા સાદગીમાં માને છે. કુંભ જાતક હંમેશા સમયના પરિવર્તન સાથે કદમ મિલાવવામાં માને છે. વૃષભ અને કુંભ બંને જાતકો સ્વભાવમાં ખૂબ જીદ્દી અને અક્કડ હોવાથી તેમની વચ્ચે બિનજરૂરી વિસંગતિઓ સર્જાવાની સમસ્યા ઊભી થાય છે. પ્રેમ પ્રત્યે ઉદાસીનતાભર્યું કુંભ જાતકનું વલણ વૃષભ જાતકને ગુસ્સે કરે છે, કારણ કે તે વધારે કામવાસના ધરાવતો હોય છે. પોતપોતાની અંગત જરૂરિયાતો સંતોષવા માટે તેમણે પોતાના ધોરણો નક્કી કર્યા હોવાથી આ બંને રાશિઓ વચ્ચે તાલમેલ જામતો નથી.
કુંભ પુરુષ અને વૃષભ સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ બંનેના સંબંધનું એક હકારાત્મક પાસું એ છે કે વૃષભ મહિલાને પોતાના કુંભ જોડીદાર પાસેથી જીવનની જુદીજુદી બાબતો વિષે ઘણું બધું જાણવા મળે છે. તેમના પ્રેમસંબંધને સફળતા મળવાની ઓછી શકયતા છે. જોકે, તેઓ પોતાના જિદ્દી વલણમાંથી ઉદભવતા મુર્ખાઇભર્યા કૃત્યોને ભૂલી જવાની અને માફ કરવાની ઉદારતા દાખવે તો કંઇક અંશે તેમનું સહજીવન સફળ બની શકે છે. વૃષભ મહિલાને જીવન પ્રત્યેના પોતાના વિચારોને વળગી રહેવું ગમે છે. આથી ઊલટું, કુંભ પુરુષને જીવન અંગેના પોતાના અલગ વિચારો અને સિદ્ધાંતો હોય છે. બંનેના વિરોધાભાસી સ્વભાવોનો કયાંય મેળ ખાતો ન હોવાથી તેમનું સહચર્ય લાંબું ટકતું નથી.
કુંભ સ્ત્રી અને વૃષભ પુરુષ વચ્ચે સુસંગતતા
વૃષભ પુરુષ અને કુંભ મહિલા બંને બિનરૂઢિગત જણાય છે અને પ્રથમ દૃષ્ટિએ જ એકબીજા પ્રત્યે આકર્ષાય છે. પરંતુ જીવન પ્રત્યેના વિચારો અને મંતવ્યોમાં બંને વચ્ચે ભિન્નતા હોવાથી તેમની વચ્ચે સુમેળ રહેતો નથી. બંને જણાં પોતાની ઇચ્છાઓ એકબીજા પર લાદવાનો પ્રયાસ કરે છે. એટલે ઇચ્છાઓનું દ્વંદ્વયુદ્ધ શરૂ થાય છે. વૃષભ પુરુષ જૂનવાણી વિચારધારા ધરાવતો હોય છે. જ્યારે કુંભ મહિલા ઉદ્યમવાદી અને પરિવર્તનશીલ વિચારો ધરાવે છે. એટલે આ બંને વચ્ચેનો સંબંધ એક કોયડો બનીને રહી જાય છે.