વૃષભ રાશિના જાતકો માટે વર્ષ 2021ની શરૂઆત મધ્યમ ફળદાયી જણાઇ રહી છે અને કેટલીક નાની-નાની બીમારીઓ પરેશાન કરી શકે છે. પેટ માટે પ્રતિકૂળ હોય તેવા ભોજનથી દૂર રહેવું અન્યથા ફુડ પોઇઝનિંગના ચાન્સ છે. વર્ષની શરૂઆતના બે મહિનામાં થોડી નબળાઇ રહે. આ સમયમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી રહેવાથી વારંવાર ઋતુગત બીમારીઓમાં તમે સપડાઇ શકો છો. આ માટે તમારે પોતાની કાળજી વિશેષ લેવી પડશે. 2021નો મધ્ય ભાગ આરોગ્યની દૃષ્ટિએ એકંદરે ઘણો સારો જણાઇ રહ્યો છે કારણ કે આ સમયમાં તમારામાં ચુસ્તિ-સ્ફૂર્તિનું પ્રમાણ ઘણું સારું રહેશે. તમે પોતાની જાત પર વધુ સારું ધ્યાન આપી શકશો પરંતુ જો બેદરકારી રાખશો તો બિનજરૂરી પરેશાનીઓ તમારા મનને વ્યાકુળ કરી શકે છે. આવી સ્થિતિમાં અનિદ્રા અને બેચેની વધવાથી સ્વાસ્થ્ય કથળી શકે છે. અચાનક કોઇ સમસ્યા થાય અને તુરંત સાજા થઇ જવાય તેવું પણ બની શકે છે. તમે વધુ પરેશાન તો નહીં થાવ પરંતુ જેટલી સાવચેતી રાખો એટલા ફાયદામાં રહેશો. સ્વાસ્થ્ય બાબતે અંતિમ મહિનો વૃષભા જાતકો માટે સારો જણાઇ રહ્યો છે.