વૃષભ વિસ્તૃત સમજ

વૃષભ રાશિની વિસ્તૃત સમજ

વૃષભ રાશિનો દેખાવ આખલા જેવો હોય છે અને તે કાળપુરુષના ચહેરા તેમજ ગળાનું પ્રતિનિધિત્વ કરે છે. પર્વતોની ટોચ, ગાયની ગમાણો અને અન્ય પ્રાણીઓના રહેઠાણો તેમજ ખેતીવાડીની જમીન પર તેનો વાસ છે.

રાશિચક્રની બીજી રાશિ વૃષભ સખત પરિશ્રમ કરીને તેનું વળતર મેળવનારી રાશિ છે. મેષ રાશિના જાતકોની જેમ આંધળુકિયુ સાહસ ન કરતા વૃષભ જાતકો સમજી વિચારીને સાહસમાં ઝુંકાવે છે અને પરિશ્રમથી કામનું વળતર મેળવે છે.

વૃષભ જાતકો કોઈપણ કામને વળગી રહેવાના ઈરાદાથી તે કામની શરૂઆત નથી કરતા પરંતુ તે કામ પુરુ કરવાના આશય સાથે તેની શરૂઆત કરે છે, પરંતુ કામ શરૂ કર્યા બાદ તેઓ એટલી સ્થિરતા અને સાતત્ય રાખે છે કે ગમે તેવા સંજોગોમાં પણ તેને છોડતા નથી. અને તેમના આ વલણના કારણે વૃષભ જાતકો સૌથી વ્યવહારુ અને વિશ્વસનીય હોય છે. તેઓ ખુશી ખુશીથી પોતાના કામમાં અવિરતપણે આગળ વધે છે અને કામ પૂર્ણ કરીને તેનું ફળ પણ મેળવે છે. વૃષભ જાતકો ગમે તેવી પરિસ્થિતિને સાનુકૂળ થઈને પોતાના કાર્યને નિશ્ચિત લક્ષ્યાંક સુધી પહોંચાડે છે. તેમની સ્થિરતા, વફાદારી અને દૃઢ મક્કમતા એ જ તેમની તાકાત છે. એક વખત જો તેઓ કામ પુરુ કરવાનો મનમાં નિર્ધાર કરી લે તો તે પુરુ કરીને જ જંપે છે.

નિરાભિમાની, બૌદ્ધિકતાભર્યો અભિગમ અને હંમેશા મુલ્યોનું જતન કરતા વૃષભ જાતકો કલા અને સંગીતના શોખીન તેમજ જાણકાર હોય છે કારણ કે વૃષભ રાશિનું કંઠ પર પ્રભુત્વ છે. તેઓ ટોળામાં પણ અલગ તરી આવે છે. દેખીતી રીતે ખૂબ સારું જીવન જીવતા વૃષભ રાશિમાં જન્મેલા જાતકો ફાઈન આર્ટ્સ, ભૌતિક સુખ સગવડો, પોતાની સર્જનશીલતા અને જાતીય આનંદથી પૃથ્વી પર રહીને સ્વર્ગીય આનંદની અનુભૂતિ કરે છે. દુનિયાની કોઈપણ વસ્તુ હોય, પછી તે ખાવાપીવાની હોય કે પહેરવા-ઓઢવાની, પરંતુ શ્રેષ્ઠ વસ્તુઓ પર જ તેમની પસંદગી ઉતરે છે. કોઈપણ વસ્તુની સંખ્યા કરતા ગુણવત્તાને તેઓ વધારે પ્રાધાન્ય આપે છે. ધીમા, મક્કમ અને હઠીલા વૃષભ જાતકો જીવનમાં શાંતિ અને સ્વસ્થતા સાથે આગળ વધે છે અને પોતાના કાર્યો તેમજ આચરણથી અન્ય લોકોને પણ ખુશી મળે તેવી તકેદારી રાખે છે.

કોઈપણ પરિસ્થિતિ, કામ કે ઘરની બાબત અથવા તો અભિપ્રાયમાં ઊંડા ઉતરવાનું વૃષભ જાતકોને ગમે છે, આના કારણે કોઈની નજરે, તમે શાંત અને સ્થિર છો તો કોઈ તમારા પર હઠીલા અને જિદ્દી વ્યક્તિનું લેબલ પણ લગાડી દે છે. નવા વિચારો અને પરિકલ્પનાઓને સ્વીકારવા તેઓ તૈયાર નથી હોતા. પરિવર્તનને સહજ સ્વીકારી લેવું તેમના માટે અશક્ય હોય છે. મક્કમ હોવાથી કોઈપણ દબાણ કે પ્રતિકુળતા હેઠળ તેઓ ભાંગી પડતા નથી. તેઓ ખૂબ જ ધૈર્યવાન અને અવલંબિત હોય છે પરંતુ આટલા બધા સદગુણો ધરાવતા વૃષભ જાતકોને ઉશ્કેરવાની ભુલ ન કરાય, કારણ કે તેમનો ગુસ્સો પણ ખૂબ જ ખતરનાક હોય છે. તેમ છતાં, દૂધના ઉભરા જેવો આ ગુસ્સો તુરંત જ શાંત પડી જતાં જાણે કંઈ જ બન્યુ નથી તેવી શાંત મુદ્રા તેઓ ફરી ધારણ કરી લે છે.

ખૂબ જ ધૈર્યવાન, વફાદાર, કાળજીવાળો, શરમાળ અને અંતર્મુખી સ્વભાવ ધરાવતા વૃષભ જાતકોને બહુ જલદી ગુસ્સો આવતો નથી પરંતુ એકવાર તેઓ ઉશ્કેરાઈ જાય તો ખૂંખાર બની જાય છે, અને પોતાની જાતને રોકી શકતા નથી. જીવનમાં અને ભાષામાં તેઓ થોડા અણઘડ અને કઢંગા પણ હોય છે તેમજ ગુસ્સે ભરાય ત્યારે બોલવામાં બેફામ બની જાય છે અને હાથની વિવિધ ચેષ્ટાઓથી પોતાનો રોષ વ્યક્ત કરે છે. જોખમી સાહસો તેઓ ક્યારેય ખેડતા નથી અને ઉતાળવા તેમજ અવિચારી પગલાં તો ક્યારેય નથી લેતા, કારણ કે એક તો તેઓ સ્વભાવે આળસુ છે અને પોતાની વસ્તુ પરનો માલિકીભાવ તેમને જકડી રાખે છે. ખૂબ સારા દાતા એવા આ જાતકોને સુખ-શાંતિ અને સગવડભર્યું જીવન જીવવું પસંદ હોય છે. તેમની રાશિનો અધિપતિ શુક્ર હોવાથી જાતિય આનંદ મેળવવા માટે હંમેશા ઉત્સુક રહે છે અને સૌંદર્યના સાચા પ્રસંશક હોવાથી ભૌતિક સુખ-સગવડ તેમના માટે સૌથી વધારે મહત્વની હોય છે. જીવનના તમામ ક્ષેત્રોમાં પોતાની જીદ પર અટલ રહેવાની તેમની આદતના કારણે તેઓ સારી જીંદગી માટેના વિકલ્પોના દ્વાર બંધ કરી દે છે. તેમનું હઠીલાપણું અને આળસુ સ્વભાવ બંને ભેગા મળીને તેમના માટે સમસ્યાઓ સર્જી શકે છે, જેને પહોંચી વળવાનું તેમના માટે મુશ્કેલ બની શકે છે. મોટાભાગે તેઓ પોતાની આસપાસની પરિસ્થિતને બદલવાનો ખૂબ ઓછો પ્રયાસ કરે છે અથવા પ્રયત્ન કરતા જ નથી. વિશિષ્ટ વૃષભ જાતકો પોતાને અને પોતાના પરિવારને ખુશ રાખવા માટે આર્થિક લાભ મેળવવા માટે પ્રેરણા અને લાલચથી દોરાય છે.

વૃષભ સાપ્તાહિક ફળકથન – 24-09-2017 – 30-09-2017

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃષભ | નામનો અર્થ : વૃષભ | પ્રકાર : પૃથ્વી-સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, વાદળી-લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર, સોમવાર