મીન અને વૃષભ રાશિ વચ્ચે સુસંગતતા
બંને જાતકોના સ્વભાવમાં ચોક્કસ ભિન્નતાઓ તેમની વચ્ચે સુસંગતતામાં અવરોધનું કારણ બને છે. વૃષભ જાતકને સાદગીભર્યું જીવન ગમે છે અને જીવન પરત્વેનો તેનો અભિગમ વ્યવહારૂ હોય છે. જ્યારે મીન જાતકો હંમેશા સપનાંની દુનિયામાં વિહરતા હોય છે. તેથી પોતાના વિચારો અંગે તેઓ સ્પષ્ટ નથી હોતા. સ્વભાવની કોમળતા, દયાળુપણું અને કરૂણા મીન જાતકોના વ્યકિતગત ગુણોના જ ભાગ છે, જે વૃષભ જાતકોને આકર્ષે છે. પ્રેમની દૃષ્ટિએ જોતા આ બંને વચ્ચે સંવાદિતા જળવાઇ રહેશે. સમય વીતવાની સાથે ધીમેધીમે આ સંબંધો વિકાસ પામે છે.
મીન પુરુષ અને વૃષભ સ્ત્રી વચ્ચે સુસંગતતા
વૃષભ મહિલાની વફાદારી અને નિષ્ઠાને કારણે મીન પુરુષ સંપૂર્ણ સુરક્ષિતતાની ભાવના અનુભવે છે. વૃષભ મહિલાને મીન પુરુષની શારીરિક રીતે પ્રેમ કરવાની આવડત ગમે છે. તેથી પ્રેમની દૃષ્ટિએ બંનેની નિકટતા ઘણી સારી હોય છે, વૃષભ મહિલાને મીન પુરુષનું બૌદ્ધિક ઊંડાણ હંમેશા આકર્ષે છે. તે પુરુષને જીવનની વાસ્તવિકતાનું ભાન કરાવે છે અને તેણે જે સપનાં સેવ્યાં છે તે સાકાર કરવા પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે. તેમની વચ્ચે રહેલી થોડી ઘણી ભિન્નતાઓને ઓળખીને તેને દૂર કરવાનો જો તેઓ પ્રયાસ કરે તો તેમની વચ્ચે જબરદસ્ત તાલમેલ જળવાઇ રહે છે.
મીન સ્ત્રી અને વૃષભ પુરુષ વચ્ચે સુસંગતતા
આ બંને વચ્ચે પ્રેમસંબંધ ખૂબ સારો રહે છે. કારણ કે બંને જણાંની વચ્ચે પરસ્પર સમજદારીનો સેતુ હોય છે, જે તેમને જોડેલા રાખે છે. બંને એકબીજા પ્રત્યે આકર્ષણ અનુભવે છે અને પ્રગાઢ પ્રણયભર્યા સંબંધોનો આનંદ ઊઠાવે છે. આ રાશિમેળ ખૂબ સારી સુસંગતતામાં પરિણમે છે. આ બંને જાતકો પ્રેમ અને રોમાન્સમાં સમાન રીતે આનંદ અનુભવે છે. મીન મહિલા વૃષભ પુરુષની હિંમત અને તેની ઊંડી સૂઝની પ્રશંસા કરશે, જ્યારે બીજી તરફ વૃષભ પુરુષ મીન મહિલાની સમજદારી અને પ્રેમની ઊત્કટતાનો ચાહક હોય છે.