તુલા અને કન્યા રાશિ વચ્ચે સુસંગતતા
અલગ-અલગ મિજાજ ધરાવતા તુલા અને વૃશ્ચિક જાતકો માટે એકબીજાને સમજવા અઘરા થઇ પડે છે. તેમણે ઘણા ચડાવ- ઉતારનો સામનો કરવો પડે છે. કન્યા જાતકને ઘરના એકાંત ખૂણે બેસી રહેવું વધારે પસંદ છે. તેને સમાજમાં વધારે હળવું મળવું પસંદ નથી. આથી વિપરીત, તુલા જાતકને જુદાજુદા લોકોને મળીને તેમની સાથે વાતચીત કરવાનું ગમે છે. સમજદારીભર્યું વલણ દાખવીને બંને જણાં ઘર્ષણ નિવારે તો જ તેમની વચ્ચેના સંબંધો સુમેળભર્યા રહે છે.
તુલા પુરુષ અને કન્યા મહિલા વચ્ચે સુસંગતતા
તુલા પુરુષ પ્રશંસાનો ચાહક છે, અને પોતાના વખાણ કોઇ કરે એમ ઇચ્છતો હોય છે. કન્યા સ્ત્રી તુલા પુરુષ પાસેથી પોતાની સુરક્ષાની અપેક્ષા રાખતી નથી. તુલા પુરુષો અસ્થિર અને ચંચળ સ્વભાવના તેમ જ અવિચારી હોય છે. જો બંને પાત્રો પોતપોતાની લાગણીઓને નિખાલસપણે વ્યકત કરવાનો પ્રયત્ન કરે તો જ બંને વચ્ચે સુમેળ જળવાય. પુરુષના લાગણીશીલ સ્વભાવને કન્યા સ્ત્રીના જીવન પ્રત્યેના વ્યવહારૂ અભિગમના કારણે સરખો પ્રતિસાદ ન મળવાના કારણે ઘર્ષણ ઊભું થાય છે. કન્યા સ્ત્રી નકારાત્મક અભિગમ ધરાવતી હોવાથી તે હંમેશા ભૂલો શોધવાનો પ્રયાસ કરે છે, જે તેમની વચ્ચે ધિક્કારની ભાવના ઊભી કરે છે.
તુલા સ્ત્રી અને કન્યા પુરુષ જાતક વચ્ચે સુસંગતતા
બંનેના પરસ્પર વિરોધી સ્વભાવ હોવાને કારણે તેઓ વચ્ચેના સંબંધો સફળ થતા નથી. કન્યા પુરુષ જાતક નિરાશાવાદી હોય છે અને તે અન્ય લોકો સાથે વધારે હળવામળવાનું ટાળે છે. જ્યારે તુલા સ્ત્રી તેનાથી વિરૂદ્ધ સ્વભાવની હોય છે. તેને નવા નવા લોકો સાથે હળવુંમળવું ગમે છે. કન્યા પુરુષ જાતક પોતાની લાગણીઓને મુક્તપણે વ્યકત કરતો નથી. જો તુલા મહિલા જાતક પોતાના પુરુષના સંકુચિત માનસને ધ્યાનમાં લઇને તે મુજબ અનુસરે તો જ તેમની વચ્ચે સુમેળ રહે છે.