For Personal Problems! Talk To Astrologer

કર્ક વિસ્તૃત સમજ

કર્ક રાશિની વિસ્તૃત સમજ

કરચલા જેવો આકાર ધરાવતી કર્ક રાશિ જળમાં રહે છે અને કાળપુરુષની છાતિનું પ્રતિનિધિત્વ કરે છે. ખેતીવાડીની જમીન, જળાશયો, નદીની કોતરો અને રમણીય સ્થળો પર તેનું નિવાસસ્થાન છે.

રાશિચક્રની ચોથી રાશિ કર્કને પોતાનું જન્મસ્થળ ઘર ખૂબ જ પ્રિય હોય છે. કાળપુરુષની કુંડળીનો ચોથો ભાવ માતાનું સુચન કરે છે અને કર્ક જાતકો આવી જ ભૂમિકા ભજવે છે. વધુમાં, કર્ક રાશિનો અધિપતિ ચંદ્ર છે જે મન અને માતાનો કારક છે. એટલે આ બંને બાબતો પણ તેમની માતા તરીકેની ભૂમિકાને વધારે બળવત્તર બનાવે છે.. રાશિચક્રની તમામ રાશિઓમાં સૌથી મૃદુ હૃદય અને સહાનુભૂતિ ધરાવતી કર્ક રાશિના જાતકો અત્યંત સંવેદનશીલ, લાગણીશીલ હોય છે. તેમને પોતાના ઘરમાં પરિવારની સાથે રહેવામાં સૌથી વધારે સુખચેન મળે છે, અને જો ઘર પરિવારમાં શાંતિભર્યો માહોલ હોય તો તેઓ પોતાની શ્રેષ્ઠ કામગીરી અદા કરે છે.

એક માતા પોતાના બાળકની જે રીતે સાર સંભાળ લે તેવી માવજત કર્ક જાતકોને આપ્તજનો તેમજ અન્ય લોકોની કરવી ગમે છે. કર્ક જાતકોને વિશાળ સંયુક્ત પરિવાર ખૂબ ગમે છે અને હંમેશા તેઓ પોતાના પરિવારજનોની જરૂરિયાતો પુરી કરવામાં, તેમની સારસંભાળ લેવામાં આનંદ અનુભવે છે. ઉપરાંત તેઓ જ્યાં પણ જાય ત્યાં પ્રેમ અને ઉષ્માભર્યું વાતાવરણ સર્જતા હોય છે. કર્ક જાતકો પરંપરાને અનુસરનારા તથા પોતાના કુળ તેમજ પારિવારિક મુલ્યોનો આદર કરનારા હોય છે. તેમને પોતાના સમાજની પ્રવૃત્તિઓ કરવી પણ ખૂબ ગમે છે. તેઓમાં દેશભક્તિની ભાવના પ્રબળ હોય છે અને જ્યારે શક્ય હોય ત્યારે ધ્વજ ફરકાવીને ગર્વ અનુભવે છે.

કર્ક જાતકોને શબ્દોની આંટીઘૂંટીઓ રમવી બહુ પસંદ નથી હોતી, તેઓ દિલના ઊંડાણથી પોતાની લાગણીઓ પ્રદર્શિત કરે છે. સ્વભાવે તેઓ મૂડી, શરમાળ અને નાના બાળકો જેવા દેખાય હોય છે પરંતુ વાસ્તવમાં તેઓ શરમાળ હોતા નથી, પરંતુ લાગણીઓ બહાર વ્યક્ત ન થાય તે માટે પોતાની જાતને રોકતા હોય છે.. ખૂબ જ કલાત્મક અને રચનાત્મક હોવા છતાં કર્ક જાતકો તેમને કહેવામાં આવેલા દરેક શબ્દો યાદ રાખે છે, ક્યારેય ભુલતા નથી કે માફ નથી કરતા, એ જ રીતે પૈસાની બાબતમાં પણ તેમનો હાથ બહુ છુટો નથી હોતો. આથી તેમનું આ વલણ ઘણી વખત ત્રાસદાયક બની જાય છે. તેમનો મૂડ પણ ક્યારે બદલાશે તે કોઈ જાણી શકતું નથી. ઘણી વખત ખૂબ સારો મૂડ હોય તો ક્યારેક વિચિત્ર અને ધૂની પણ લાગે છે. જ્યારે તેમની લાગણી દુભાય ત્યારે તેઓ કરચલાની જેમ પોતાના કોચલામાં એટલે કે એકાંતવાસમાં જતા રહે છે.

અત્યંત અંતર્મુખી અને જેમને સમજવા ખૂબ જ મુશ્કેલ છે તેવા કર્ક જાતકો પોતાના બાહ્ય કઠોર દેખાવ પાછળ પોતાની સંવેદનાઓને છુપાવી શકે છે. મૂડ સારો હોય ત્યાં સુધી ખૂબ જ દયાળુ અને મળતાવડા કર્ક જાતકો મૂડ બગડે તો બીજી જ પળે એકદમ રુક્ષ અને અત્યંત દુઃખી થઈ જાય છે. તેમને કારણ વગર જ વારંવાર ખોટુ લાગી જાય છે. લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરતા આ જાતકો અન્ય લોકો પ્રત્યે લાગણીહીન, તોછડા પણ બની જાય છે. આવા સમયે તરત જ પોતાનો ક્રોધ બહુ વરવી રીતે વ્યક્ત કરે છે. જોકે તેમની બહારથી દેખાતી આવી તોછડી વર્તણુંક પાછળ તેઓ પોતાની અસલામતીઓ તેમજ ભીરૂપણું વગેરે બહુ કુશળતાથી છુપાવવાનો પ્રયાસ કરે છે. જીવનમાં જો બધુ જ બરાબર ચાલતું હોય તો કર્ક જાતકો તેમના વખાણ કરવા પડે એટલી હદે દયાળુ, ઉદાર, સમજદાર, દાનવીર અને મદદકર્તા હોઈ શકે છે.

આ જાતકો મુસીબતના સમયે લોકોની પડખે ઉભા રહે છે. તેમની અંતઃસ્ફૂર્ણા ગજબની હોય છે અને તેમની આ શક્તિનો ઉપયોગ તેઓ પોતાની જિંદગીના સંચાલનમાં કરે છે. તેમને દેશ-વિદેશની મુસાફરીઓ કરવાની ઈચ્છા તો થાય છે પરંતુ તેમનો સૌથી પહેલો પ્રેમ પોતાનું ઘર હોવાથી અને ઘર સિવાય ક્યાંય તેમને ન ગોઠતું હોવાથી આ ઈચ્છાને દબાવી દે છે.

મોટાભાગે કર્ક જાતકો તેમના પ્રિયજનોની જ લાગણી દુભાવે છે. રાઈનો પહાડ બનાવવાની અને પોતાની જાત પર દયા ખાવાની તેમને આદત હોય છે. તેઓ થોડા અવ્યવસ્થિત પણ હોય છે, અને પોતાની જ ચીજવસ્તુઓ ઘરમાં યોગ્ય સ્થાને ન મુકતા ગમે ત્યાં મુકી દેતા હોય છે. આમાં તેમની સંગ્રહખોર વૃત્તિ પણ કામ કરતી હોય છે. કર્ક જાતકોને વધુ કોઈ વસ્તુની ખેવના નથી હોતી પરંતુ ખાસ એક આરામદાયક ઘર અને શાંતિ તેમના માટે સૌથી મહત્વના હોય છે. બીજાને મદદ કરવા તરત જ દોડી જનારા આ જાતકો બને ત્યાં સુધી ઘર્ષણ અને સંઘર્ષ ટાળે છે. ખાવાના શોખીન કર્ક જાતકોને સરસ મજાના બગીચામાં ફરવાનું મળે તો સ્વર્ગીય સુખની અનુભૂતિ કરે છે.

કર્ક જાતકો ખૂબ જ બુદ્ધિશાળી અને કલાકાર હોય છે. તેઓ ખૂબ સારા ચિત્રકાર, શિલ્પી કે સેલ્સમેન બની શકે છે. લેખનને જો તેઓ પોતાના વ્યવસાય તરીકે અપનાવે તો તેમાં શ્રેષ્ઠ કામગીરી કરે છે. મોટાભાગના કર્ક જાતકો તેમની કારકીર્દિમાં સારી રીતે સ્થાયી થયેલા હોય છે. જોકે, કેટલાક લોકો અધવચ્ચે કારકીર્દિ છોડીને કોઈ અલગ જ ક્ષેત્રમાં ઝંપલાવે છે, અને લગભગ ૩૫ વર્ષની વયની આસપાસ તેમની કારકીર્દિમાં આ પ્રકારનું પરિવર્તન આવે છે. પૈસા અને ભૌતિક સંપત્તિનું પણ તેમના માટે એટલું જ મહત્વ છે અને પૈસા ખર્ચવામાં થોડા કંજૂસ હોવા છતાં જો ક્યાંકથી આકસ્મિક મોટો ધનલાભ થઈ જાય તો, વિચાર્યા વગર જ નાણાં વેડફી નાખે છે.

પોતાના સ્વભાવથી સાવ વિરુદ્ધ સ્વભાવવાળી વ્યક્તિ સાથે કર્ક જાતકોને પ્રણય થઈ જાય છે. તેઓ આત્મવિશ્વાસુ, મજબૂત અને સફળ વ્યક્તિઓ તરફ આકર્ષાય છે. તેઓ ઘણી વખત પ્રેમમાં પડી જાય છે. પરંતુ તેમના અંતર્મુખી સ્વભાવ અને સામેની વ્યક્તિ સમક્ષ પોતાની સાચી લાગણીઓ વ્યક્ત કરવામાં અનુભવાતી તકલીફોના કારણે તેમનો પ્રેમ એક તરફી બનીને રહી જાય છે. તેઓ લગ્નની બાબતમાં વગર વિચાર્યે ઝુકાવતા નથી કારણ કે જીવનસાથી પસંદ કરવામાં તેમનો સ્વભાવ ભૂમિકા ભજવતો હોય છે. કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો તેમના સારા જીવનસાથી સાબિત થઈ શકે છે.

કર્ક સાપ્તાહિક ફળકથન – 11-04-2021 – 17-04-2021

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કર્ક રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કર્ક | નામનો અર્થ : કર્ક | પ્રકાર : જળ- મૂળભુત- નકારાત્મક | સ્વામી ગ્રહ : ચંદ્ર | ભાગ્યશાળી રંગ : નારંગી, સફેદ | ભાગ્યશાળી દિવસ : સોમવાર, ગુરુવાર