For Personal Problems! Talk To Astrologer

અસત્ય પર સત્યના વિજયનું પર્વ એટલે દશેરા


Share on :


નવ રાત્રિ સુધી માં જગદંબાની આરાધનાના પર્વ નોરતાના સમાપનરૂપે દશેરાની ઉજવણી કરવામાં આવે છે. પ્રાચીન લોકવાયકા અનુસાર માતા જગદંબા અને મહિસાષુર રાક્ષસ વચ્ચે આસો સુધ એકમથી દશમ સુધી ભીષણ યુદ્ધ થયું હતું અને દશમના દિવસે માતા જગદંબાએ મહિષાસુર રાક્ષસનો વધ કરી વિજય મેળવ્યો હતો. અન્ય એક વાયકા અનુસાર માતા સીતાની મુક્તિ માટે ભગવાન શ્રી રામને રાવણ સાથે યુદ્ધ કર્યું અને આસો સુદ દશમના દિવસે રાવણનો વધ કરીને માતા સીતાને મુક્તિ અપાવી હતી. રાવણ પર રામના પ્રતીકરૂપે ઉત્તર ભારત સહિત વિવિધ પ્રદેશોમાં આસો સુદ એકમથી દશમ સુધી રામલીલા ભજવવામાં આવે છે અને દશમના દિવસે રાવણના પૂતળાનું દહન કરીને રામના વિજય તેમજ આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયની ઉજવણી કરવામાં આવે છે. આમ આ દિવસને અસત્ય પર સત્ય, અસુર પર દેવી શક્તિના વિજયનું પર્વ કહેવામાં આવે છે. દશેરા અથવા તો વિજ્યાદશમી તરીકે ઓળખતા આ પર્વએ માતા જગદંબાની વિશેષ આરાધના અને હવનનું આયોજન કરવામાં આવે છે.

શમી પૂજનનું પણ મહત્ત્વ
આ દશેરાના દિવસે શમીપૂજન કરવાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. એક લોકવાયકા અનુસાર ઋષિ વિશ્વામિત્રનો કૌત્સ નામનો શિષ્ય ગુરુદક્ષિણા માટે ધન લેવા માટે રઘુરાજા પાસે ગયો. રઘુરાજાએ વિશ્વજિત યજ્ઞ માટે પોતાની તમામ સંપત્તિ દાનમાં આપી દીધી હતી અને પોતે અત્યંત સાદાઇથી જીવતા હતા અને માટીના પાત્રોમાં ભોજન લેતા હતા. આવી સ્થિતિમાં પોતાની પાસે ધનની અપેક્ષાએ આવેલા કૌત્સને ખાલી હાથે પાછો ના મોકલવો પડે તે માટે રઘુરાજાએ આ દશેરાના દિવસે કુબેર સામે યુદ્ધ કરીને તેમને યુદ્ધમાં હરાવ્યા હતા અને શમી વૃક્ષ ઉપર ચૌદ કરોડ સોનામહોરો વરસાવી હતી. કૌત્સે તે સોનામહોતો પોતાના ગુરુને સમર્પિત કરી હતી. કૌત્સના ગુરુએ આ ધન ગરીબો અને જરૂરિયાતમંદોને આપી દીધું હતું. ત્યારબાદ શમી વૃક્ષની પૂજા કરવાની પરંપરા શરૂ થઇ હોવાનું માનવામાં આવે છે.

વણ જોયુ મુહૂર્ત છે
આ દિવસને વણ જોયુ મુહૂર્ત કહેવામાં આવે છે એટલે કે, કોઇપણ શુભ કાર્યની શરૂઆત કરવા માટે અથવા નવી ખરીદી કરવા માટે આ દિવસે કોઇ મુહૂર્ત જોવાની જરૂર નથી કારણ કે આ દિવસે કરેલું કાર્ય અથવા શરૂઆત શ્રેષ્ઠ ફળ આપે છે.

શસ્ત્ર પૂજાનો દિવસ
દશેરાના દિવસને અસત્ય પર સત્યના વિજયના રૂપમાં ઉજવવામાં આવતો હોવાથી ખાસ કરીને ક્ષત્રિયો દ્વારા આ દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક પ્રદેશોમાં શૌર્યને લગતી કેટલીક સ્પર્ધાઓ અને રમતોનું આયોજન પણ કરવામાં આવે છે. 

ગણેશજીના આશીર્વાદ સાથે,
Ganeshaspeaks.com ટીમ

05 Oct 2019


View All blogs

More Articles