For Personal Problems! Talk To Astrologer

આ નવરાત્રીમાં મન મુકીને ગરબે ઘુમો
સૂર્ય રાશિ પ્રમાણે સુચનો….

Navratri, GaneshaSpeaks.com

હિન્દુ પંચાગ પ્રમાણે આસો માસના શુક્લ પક્ષની એકમથી નવ દિવસ માટે શરુ થતું નવરાત્રીનું પર્વ દેશવિદેશમાં ઉજવાય છે. મા જગદંબાના નવરૂપોની પૂજાનો આ અનેરો અવસર ભક્તો માટે નવશક્તિની સાધના અને આરાધના માટે કંઈક ખાસ છે તો ગુજરાતમાં ખેલૈયાઓ આ નવ રાતમાં મન મૂકીને ગરબે ઘુમી માતાની ભક્તિનો અવસર ચુકતા નથી. આટલું જ નહીં બંગાળમાં આ દિવસોમાં દુર્ગાપૂજાનું અનેરું મહત્વ હોય છે. જોકે હવે આ તહેવાર ગુજરાત, બંગાળ કે ભારતના સીમાડાઓ ઓ’ળંગીને વિદેશમાં પણ મોટાપાયે ઉજવાય છે. વિદેશમાં વસતો વિશાળ ભારતીય સમુદાય આ તહેવારની એટલી રંગેચંગે ઉજવણી કરે છે કે ભારતની આ અનોખી પરંપરા અને સંસ્કૃતિની ઝાકઝમાળ વિદેશીઓને પણ આંજી દે છે.

ગુજરાત અને રાજસ્થાનમાં ઉજવતા નવરાત્રીના તહેવાર એટલે નવલાં નોરતાંમાં સંગીતના તાલ અને મા જગદંબાના ગરબા સાથે યુવક-યુવતીઓ, નાના, મોટા સૌ કોઈ મન મુકીને ગરબે ઘુમે છે. આ તહેવારમાં નાત-જાત, ધર્મ કે સંપ્રદાયનો ભેદભાવ ભુલીને સૌના મનમાં બસ એકજ માતાની ભક્તિની એક જ નેમ હોય છે. ગરબાની આ ઉજવણી લોકોના પારસ્પરિક બંધનને પણ ઘનિષ્ઠ બનાવવામાં અનોખી ભુમિકા ભજવે છે.

ગરબાની અન્ય એક મહત્વની વાત એ છે કે કુંવારા યુવક યુવતીઓને ગરબાના માધ્યમથી જીવનસાથી શોધવાની તક પણ મળી જાય છે. ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ યુવા હૈયાઓનો જો ઢોલનો તાલ અને ગમતાનો સંગાથ મળી જાય તો પછી પુછવું જ શું? સામાજિક દૃશ્ટિએ લોકોને નીકટ લાવતી આ મહાઉજવણીમાં નવ રાત સુધી લાખો લોકો જોડાય છે અને ઉંમગ તેમજ આનંદભરી કરોડો યાદો સાથે ફરી આવતા વર્ષની આસો સુદ એકમની આતુરતાપૂર્વક રાહ જોવા લાગી જાય છે. રાશિ અનુસાર જાતકો કેવી રીતે નવરાત્રીની ઉજવણી કરે છે તે માટે માહિતી અહીં આપી છે જેથી આપ પણ પોતાના સાથી જોડે કેવી રીતે ગરબા રમવા અને કેવી રીતે તેમની સક્ષમ પોતાના દિલની વાત રજૂ કરવી તે વધુ સરળતાથી સમજી શકશો….

મેષ
મેષ રાશિનો સ્વામી મંગળ હોવાથી સ્વાભાવિકપણે આ જાતકો ઉત્સાહ અને ઉર્જાથી છલકાતા હોય છે. રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈને પોતાની રીતે અનન્ય શૈલીમાં ગરબે ઘુમતા આ જાતકો જ્યારે લોકોની વચ્ચે રહીને તાલથી તાલ મિલાવતા હોય ત્યારે જાણે માતાની ભક્તિમાં ઓતપ્રોત થઈ ગયા હોય તેવું લાગે છે. આ જાતકોને ડ્રેસ કોડ પ્રમાણે વસ્ત્રો પહેરવાનું અને તેમાં શ્રેષ્ઠ દેખાવાનું વધુ ગમે છે. જો પરંપરાગત ગરબો હોય તો આ જાતકો તેમનું શ્રેષ્ઠ ટ્રેડિશનલ પરફોર્મન્સ આપે છે અને જો ગરબામાં કંઈક નવું કરવાનું હોય તો તેમાં પણ તેઓ પાછા પડતા નથી. વૃષભ હંમેશા ચોક્કસાઈ અને નાનામાં નાની વાતોનું ધ્યાન રાખતા આ જાતકો નોરતાની ઉજવણીમાં પણ આ ગુણ છોડતા નથી. ગરબા, પૂજા, પંડાલ, શિડ્યુલ, પરિધાન, જ્વેલરી, કે પછી કોઈપણ બાબતે તેમને પરફેક્ટ લુક જ જોઈએ છે. આથી વૃષભ જાતકો ફેશન મામલે ખૂબ જ સજાગ હોય છે. ગરબામાં તેઓ સૌથી વધુ ટ્રેન્ડમાં હોય તેવા વસ્ત્રો અને આભુષણોમાં જોવા મળે છે. વૃષભ જાતકોને નવા અખતરા કરવાનું ઘણું ગમતું હોવાથી તેઓ દાંડિયા રાસમાં પણ નવી સ્ટાઈલ અપનાવતા જરાય અચકાતા નથી. તેઓ નવરાત્રીમાં અનોખા દેખાવા માટે અગાઉથી દાંડિયા રાસના ક્લાસિસમાં જોડાય તો પણ નવાઈ નહીં.

મિથુન
મિથુન જાતકોને તેમની રાશિના મૂળ લક્ષણો પ્રમાણે વાસ્તવિક લાગણીઓ વ્યક્ત કરવાનું વધુ ગમે છે. તેમને નવા લોકોને મળવાનું પસંદ હોય છે અને નવરાત્રીમાં ગરબા તેમના માટે એક આદર્શ મંચ બની રહે છે. તેઓ ગરબામાં કોઈપણ પ્રકારની ચિંતા વગર તેમની આંતરિક લાગણીઓ નિઃસંકોચ થઈને અભિવ્યક્ત કરતા હોવાથી ગરબા અને દુર્ગાપૂજાના અવસરે તેઓ વધુ સારા અને વધુ આકર્ષક વસ્ત્રોમાં જોવા મળે છે. ફ્યુઝન એટલે કે અલગ અલગ વસ્ત્રોને સાથે મિલાવાની કંઈક નવું કરવાની વાત આવે તો પણ આ જાતકો ખૂબ જ સારી સુઝ ધરાવે છે. તેઓ ઢોલની છેલ્લી દાંડી વાગે ત્યાં સુધી ગરબા રમવાનું ચુકતા.

કર્ક
કર્ક રાશિનો સ્વામી ચંદ્ર હોવાથી જ્યારે તેઓ ગરબાનું આયોજન કરે તો તેમાં પણ સમયના પાબંદી હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. તેઓ ગરબાના સ્થળે ખૂબ જ સમયસર પહોંચી જાય છે અને ક્યારેક તો વહેલા પણ પહોંચે છે. કર્ક જાતકોની ડ્રેસ પહેરવાની સૂઝ એટલી બધી આકર્ષક કે નોંધનીય નથી હોતી છતાં પણ તેમની સીવણકળાથી સજાવેલા ડ્રેસથી લોકોને તેઓ પ્રભાવિત ચોક્કસ કરે છે. કર્ક જાતકોને આત્મસુઝ ઘણી સારી હોય છે અને તેના પર તેઓ ઘણો વિશ્વાસ કરે છે. પરંપરાગત સ્ટાઈલમાં ગરબા ગાવામાં તેઓ ઘણા પાવરધા હોય છે પરંતુ જો નવી સ્ટાઈલની વાત આવે તો અખતરા કરવા માટે પણ તેઓ હંમેશા તૈયાર રહે છે. તેમને ગ્રૂપમાં ગરબા ગાવાનું વધુ ગમે છે. તેઓ હાથમાં કોઈને કોઈ વસ્તુ રાખીને ગરબા ગાવાનું પણ પસંદ કરે છે.

સિંહ
ગરબાની ઉજવણીનો ઉત્સાહ સિંહ જાતકોમાં ખૂબ જ વધારે જોવા મળે છે. તેનો નવરાત્રીની ઉજવણીની તૈયારીઓ અગાઉથી જ શરૂ કરી દે છે. નવ રાત માટે નવ અલગ અલગ ડ્રેસ પણ તૈયાર કરવામાં તેઓ પાછા પડતા નથી. તેમને ગરબે ઘુમવા ઉપરાંત ગરબા જોવાનું પણ ખૂબ ગમે છે. જો કોઈ મિત્રોને ગરબા ગાત ન આવડતું હોય તો તેઓ મદદ કરે છે અને શીખવે છે. તેઓ પોતે સંખ્યાબંધ સ્ટાઈલમાં ગરબા ગાતા હોય છે. તેઓ સ્ટાઈલની બાબતે વધુ પડતા આગ્રહી ન હોવા છતાં તેમનું ગ્રૂપ નિર્ધારિત સ્ટાઈલ કોડને અનુસરે તેવો ચોક્કસ ઈચ્છતા હોય છે.

કન્યા
ચોક્કસાઈના આગ્રહી કન્યા જાતકોને અલગ અલગ પ્રકારના ગરબા ગાવાનું ખૂબ જ પસંદ હોય છે. તેઓ કોઈપણ નવી સ્ટાઈલ શીખે તેમાં પણ જ્યાં સુધી પરફેક્ટ ન આવડે ત્યાં સુધી તેને છોડતા નથી. ગરબામાં પોતે એકદમ ચુસ્ત દેખાય અને પરફેક્ટ સ્ટેપ્સ લઈ શકે તે માટે અગાઉ જ ઘણી પ્રેક્ટિસ શરૂ કરી દે છે. તેમને સામાન્ય કરતા ચોક્કસ આયોજનોમાં ગરબા રમવાનું વધુ ગમે છે. ઉપરાંત તેઓ મોટા ગ્રૂપમાં જવાનું પસંદ કરે છે અને બાજુમાં રહીને પણ ગરબાનો ખૂબ આનંદ માણે છે.

તુલા
તુલા રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે માટે તેમને આકર્ષણના કેન્દ્ર રહેવાનું ખૂબ ગમે છે. આથી તેઓ પોતાની છબી અંગે ઘણા સજાગ હોય છે અને સૌથી આધુનિક ફેશનના આકર્ષક રંગોના ડ્રેસમાં જ ગરબે ઘુમવાનું પસંદ કરે છે. તેઓ ઘણા આત્મવિશ્વાસુ પણ હોય છે. તેઓ ગરબાના મેદાનમાં ક્યારેય એક સ્થળે ઉભા રહેવાના બદલે તેમની વાયુ તત્વની પ્રકૃત્તિ અનુસાર સતત ફરતા જ રહે છે. ખૂબ આકર્ષક દેખાતા તુલા જાતકોનો ડ્રેસ કદાચ બહુ સારો ન હોય તો પણ ટોળામાં અલગ તેઓ તરી આવે છે. તેઓ અન્યોની સરખામણીએ વધુ લોકોને પોતાની તરફ આકર્ષે છે.

વૃશ્ચિક
વૃશ્ચિક જાતકો કદાચ ગરબામાં અન્યો જેટલા હોંશિયાર નથી હોતા છતાં પણ નવરાત્રીનો આનંદ ચોક્કસ માણે છે. તેઓ કોઈ ચોક્કસ સ્ટાઈલના જ ગરબા રમે તેવું જરૂરી નથી પરંતુ તેમને આવડતા હોય તેવા સ્ટેપ્સમાં પુરો આનંદ લે છે. તેઓ મોટા ગ્રૂપમાં રહે છે. તેઓ ઘણા ઉત્સાહી અને જોશીલા હોય છે અને ગરબા સ્ટાઈલમાં ક્યારેક અખતરા પણ કરે છે. તેઓ નીકટવર્તીઓ પ્રત્યે ખૂબ વફાદાર પણ હોય અને કોઈ મિત્રને નિરાશ કરતા નથી તેમજ દરેક વ્યક્તિ પર સમાન ધ્યાન આપે છે. આ જાતકો ઘણા મહત્વાકાંક્ષી હોય છે. જો તેઓ ગરબાનું આયોજન કરે તો કદાચ સૌથી શ્રેષ્ઠ આયોજન કરી શકે છે.

ધન
ધન જાતકો જીવન પ્રત્યે ફિલસુફીભર્યો અભિગમ રાખે છે. તેઓ કંઈપણ કરતા પહેલા લાંબો વિચાર કરે છે અને ગરબામાં પણ આ ગુણ જોવા મળે છે. તેઓ પોતાના દેખાવ અંગે વધુ પડતો વિચાર નથી કરતા માટે તેથી તેઓ વસ્ત્રો કે એક્સેસરીઝને ખાસ મહત્વ નથી આપતા. જોકે, તેઓ પુરા ઉત્સાહ અને જોશ સાથે ગરબા માણે છે. ઉપરાંત અલગ અલગ કોસ્ચ્યુ સ્ટાઈલ અપનાવવા માટે પણ તેઓ પહેલ કરે છે. અન્ય લોકોને થોડુ વિચિત્ર લાગે તો પણ તેઓ કપડાં અને ગરબાની સ્ટાઈલમાં કંઈક નવીનતા કરે છે.

મકર
મકર રાશિમાં જન્મેલા જાતકો કેવી રીતે ગરબા રમશે અથવા તો તેમાં ભાગ લેશે કે નહીં તેનો વિચાર કર્યા વગર ઉજવણી માટે ચોક્કસ નીકળી પડે છે. તેઓ મિત્રો પાસેથી મળતા સુચનો બરાબર સાંભળે છે અને તે અનુસાર ડ્રેસ પહેરવાનું તેમજ ગરબા રમવાનું પસંદ પણ કરે છે. જોકે, તેઓ સ્વભાવે ઘણા સજાગ હોય છે, અને તેથી જ ગરબામાં વધુ પડતા વસ્ત્રો કે બિનપરંપરાગત એક્સેસરીઝ પહેરવાનું પસંદ નથી કરતા. છતાં પણ સ્વભાવે તેઓ સ્ટાઈલીશ હોવાથી સંગીતના તાલે પોતાની રીતે મિત્રોના સંગાથમાં નવરાત્રીનો આનંદ લૂંટવાનું ચુકતા નથી. તેમનામાં ધીરજનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે આથી ગરબાના નવા સ્ટેપ્સ શીખવાનું અગાઉથી શરૂ પણ કરી દે છે.

કુંભ
આ રાશિનો સ્વામી શનિ છે માટે જ્યારે નવરાત્રીની ઉજવણીની વાત આવે તો કહી શકાય કે, તેઓ કોઈ નિયમોનું પાલન કરવાના બદલે પોતાની રીતે ઉજવણી કરે છે. ગરબા માટે તૈયાર થવા તેઓ ઘણો વધારે સમય લેતા હોવા છતાં સ્થળ પર સમયસર પહોંચી જાય છે. તેમને કોઈ પરંપરાગત સ્ટાઈલમાં ગરબાથી મન ભરાઈ જાય તો નવા પ્રયોગો કરવામાં પણ અચકાતા નથી. તેઓ આખા તહેવારનો મનમુકીને આનંદ માણે છે. તેમનામાં માનવીય ગુણ ઘણો વધારે હોવાથી જો કોઈ મિત્રોને ગરબા રમવામાં તકલીફ હોય તો તેમની ભાવના સમજે છે અને તેમની ટીકા કરવાના બદલે શીખવવામાં મદદ પણ કરે છે.

મીન
મીન રાશિના જાતકો ખૂબ જ મોજીલા હોય છે અને નવરાત્રીની ઉજવણીમાં પણ તેઓ દરેક વ્યક્તિ હસતા રહે તેવો ખાસ ખ્યાલ રાખે છે. તેઓ ઘણા ભાવનાત્મક પણ હોય છે અને પુરા ઉત્સાહ સાથે તહેવારની ઉજવણી કરે છે. તેઓ નવરાત્રીમાં પોતાની રીતે શ્રેષ્ઠ પરિધાન ધારણ કરે છે. તેઓ નવી નવી જોડીઓમાં ગરબા રમવાનું પણ પસંદ કરે છે. તેઓ તૈયાર થવા માટે પોતાની રીતે પુરતો સમય લે છે અને ગરબા રમવામાં પણ આખી રાત સુધી થાકતા નથી. તેઓ ગરબામાં નવીનતા પણ ઈચ્છતા હોવાથી નવા નવા સ્ટેપ્સ અપનાવે છે. આ જાતકો નવી સ્ટાઈલમાં કે નવા નવા ગ્રૂપમાં ગરબા રમતા જોવા મળે તો નવાઈ નહીં તેમ કહી શકાય.

 

03 Sep 2014

share
View All Astro-Fun