વૃશ્ચિક રાશિ 2021 : તમારે ઘણા પ્રવાસો – મુસાફરી કરવાના યોગ આવી શકે છે
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વર્ષની શરૂઆત એકંદરે મધ્ય ફળદાયી રહેશે કારણ કે, આ વર્ષની શરૂઆતમાં તમારા મનમાં સંખ્યાબંધ વિચારોનું ધોડાપૂર આવશે. આ કારણે તમે ઘણા અસમંજસની સ્થિતિમાં રહેશો અને જીવનમાં કોને કેટલું મહત્વ આપવુ તે નક્કી નહીં કરી શકો. તમારે કામકાજમાં જરૂરિયાત અનુસાર ધ્યાન આપવું પડશે અને જીવનની અન્ય ગતિવિધીઓમાં તમારું સક્રિય યોગદાન આવશ્યક રહેશે. આવી સ્થિતિમાં તમારે ધીરજપૂર્વક નિર્ણય લેવાનો પ્રયાસ કરવો પડશે. આ વર્ષમાં તમારે ઘણા પ્રવાસો – મુસાફરી કરવાના યોગ આવી શકે છે. તમારી મુસાફરી લાંબા અંતરની જ હોય તેવું જરૂરી નથી પરંતુ તેની સંખ્યા ઘણી વધારે રહેશે જેથી તમારામાં ઉર્જાનું પ્રમાણ પણ સારું જળવાઇ રહેશે. પારિવારિક જીવનમાં તમને આંશિક સંતોષ રહેશે પરંતુ પરિવારના લોકોમાં કોઇ ખાસ હોય તેમના સ્વાસ્થ્યના કારણે તમારી પરેશાની વધી શકે છે. ખાસ કરીને પિતા અને માતાનું સ્વાસ્થ્ય તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે કારણ કે બદલાતી ઋતુના કારણે તેમનું સ્વાસ્થ્ય ઝડપથી બગડી શકે છે. જો તમે કોઇ કેસમાં સંકળાયેલા હોવ તો, આ વર્ષ તમારી તરફેણમાં ચુકાદો આવી શકે છે અને કાયદાકીય મોરચે વર્ષની શરૂઆતથી જ સારી તરફેણ તરફેણ મળશે. તમે જીવનમાં આવતા પડકારોનો સામનો ખૂબ મજબુતી સાથે કરશો અને તમારા જીવનસાથી પણ તેમાં સારું યોગદાન આપશે. પૈતૃક વ્યવસાયને અપનાવવાનું તમારા પર દબાણ વધીશ કે છે જેથી સમજી વિચારીને નિર્ણય લેવો તમારા માટે હિતકારી રહેશે. તમારે ભાઇ-બહેનો સંબંધિત કેટલીક જવાબદારીઓ પણ ઉપાડવી પડશે કારણ કે આ વર્ષમાં તમને અવારનવાર તમારી સહાયતાની જરૂર પડશે. વૃશ્ચિક રાશિના જાતકો તેમની રહસ્યમય પ્રવૃત્તિઓ માટે ખાસ ઓળખાય છે અને તમારી આ પ્રવૃત્તિઓ તમારા માટે લાભદાયક સાબિત થશે. તમે તમારા વિરોધીઓ સામે સરળતાથી વિજય પ્રાપ્ત કરી શકશો. તમે જીવનમાં વધુ આશાવાદી રહેશો અને તમારા ખાસ પ્રિયજનોને કોઇપણ ભોગે ખુશ રાખવા માટે પ્રયાસ કરશો જેનાથી તેમના ચહેરા પર સ્મિત આવશે. તેમના આ સ્મિત માટે તમે તનતોડ મહેનત કરવામાં પણ પાછા પડશો નહીં. ધન પ્રાપ્તિની સ્થિતિનું નિર્માણ પણ કરી શકશો. વર્ષના મધ્યમાં અપેક્ષા અનુસાર થોડો નબળો તબક્કો જણાઇ રહ્યો છે, પરંતુ વર્ષના અંતિમ ભાગમાં ખાસ કરીને છેલ્લા ત્રણ મહિના તમારા માટે ઘણા સારા પુરવાર થશે. આ સમયમાં તમે આદરેલા સંખ્યાબંધ કાર્યોમાં સારી સફળતા મળવાની આશા રાખી શકો છો.
વૃશ્ચિક રાશિફળ 2021 માટે પ્રણયજીવન, સંબંધો અને દાંપત્યજીવન
પ્રણય સંબંધોની વાત કરીએ તો, આ વર્ષની શરૂઆત આપના માટે સારી રહેશે. જો તમે પહેલાંથી જ કોઇની સાથે પ્રેમસંબંધોમાં જોડાયેલા હોવ તો, તમારા સંબંધોમાં વધુ ઘનિષ્ઠતા આવશે અને તમે એકબીજા સાથે ખુલ્લા દિલથી વાત કરી શકશો અને પોતાની લાગણીઓની અભિવ્યક્તિ કરી શકશો. આમ કરવાથી તમારા સાથીના મનમાં પણ તમારા માટે વિશેષ પ્રેમ જાગશે. જો તમે કોઇની સાથે સંબંધોમાં ના હોવ તો, આ વર્ષ તમને યોગ્ય પાત્ર મળે અને સંબંધોની એક નવી શરૂઆત થાય તેવા યોગ પણ બની રહ્યા છે. કદાચ કોઇ મુસાફરી દરમિયાન સારા પાત્ર સાથે મુલાકાત થાય અને તમે સંબંધોમાં આગળ વધો તેવી શક્યતા પણ છે. તમારા આ સંબંધો મુલાકાતમાંથી પ્રેમમાં ક્યારે પરિવર્તિત થઇ જશે એ તમને પણ ખબર નહીં હોય. પ્રેમ એક સારું બંધન છે માટે તેમાં તમે વફાદારી અને ઇમાનદારી રાખશો તો આ વર્ષ તમારા માટે ઘણું સારું રહેશે. વર્ષની શરૂઆત ઉપરાંત એપ્રિલ અને મે મહિનામાં તેમજ જુલાઇ અને ઓક્ટોબર મહિનામાં પણ પ્રેમજીવન માટે ઘણો સારો તબક્કો જણાઇ રહ્યો છે. જો તમે વિવાહિત હોવ તો, વર્ષની શરૂઆતથી જ તમને સારા પરિણામો મળવાનું શરૂ થઇ જશે. જીવનસાથી તરફથી તમે ભરપૂર પ્રેમ પામી શકો અને સંખ્યાબંધ બાબતોમાં તેમના તરફથી સારી સલાહ મેળવી શકો છો. તેમના સલાહથી તમને ફાયદો થશે. જે વેપાર ધંધામાં તેમનું માર્ગદર્શન લેશો તો પણ તમને એક નવો માર્ગ મળી રહે.
વૃશ્ચિક રાશિફળ 2021 માટે નાણાં અને આર્થિક બાબતો
આર્થિક ઉપાર્જનની દૃષ્ટિએ જોવામાં આવે તો, આ વર્ષની શરૂઆત આપના માટે સારી રહેશે. તમે જે કાર્ય કરો છો તેનાથી તમને સારો આર્થિક લાભ થશે. તમે નાણાંની બચત કરીને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ કરી શકશો. તમારી આર્થિકિ સ્થિતિ મોટાભાગના સમયમાં સારી જ રહેશે. તમારા ખર્ચમાં પણ ઘટાડો આવશે જેથી મની મેનેજમેન્ટમાં ખાસ કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. જોકે વર્ષના મધ્યમાં ખાસ કરીને મેથી જુલાઇ દરમિયાન તમારે ધન પ્રાપ્તિ માટે વિશેષ પ્રયાસ કરવા પડશે. તેમજ આ સમયમાં કેટલાક અણધાર્યા અથવા મોટા ખર્ચ આવી શકે છે. જોકે, આવા ખર્ચથી તમને કોઇ મોટો ફરક પડવાનો નથી. તમારી આવક કેટલાક નિશ્ચિત સ્રોતોમાંથી આવવાનું ચાલુ રહેશે.
વૃશ્ચિક રાશિફળ 2021 કારકિર્દી, નોકરી અને વ્યવસાય
જો તમે ક્યાંય નોકરીમાં જોડાયેલા હોવ તો, આ વર્ષની શરૂઆત આપના માટે ઘણી સારી રહેશે. તમને નોકરીના સ્થળે સારું માન-સન્માન મળે અને તમામ લોકો તમારા કામની પ્રશંસા કરશે. તમને સરકારી નોકરીની ઓફર આવે અથવા કોઇપણ પ્રકારે સરકારી કાર્યોમાંથી ફાયદો થાય તેવી પણ શક્યતા વધશે. સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ સારું પરિણામ મેળવી શકો છો. આ વર્ષના અંતનો તબક્કો પણ નોકરિયાતોને શુભ ફળદાયી રહેશે. તમારે માર્ચ અને એપ્રિલમાં વિશેષ સાવધાની રાખવી પડશે કારણ કે આ સમયમાં તમારા કામકાજમાં અથવા નોકરીમાં કોઇ મોટું પરિવર્તન આવી શકે છે. આ ઉપરાંત જૂન અને જુલાઇના મધ્ય સમય દરમિયાન નોકરી પર જોખમ આવી શકે છે માટે ક્યાંય ગાફેલ રહેવું નહીં. કેટલાક લોકોને ઑગસ્ટમાં સ્થાનફેરના યોગ બની રહ્યાં છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો તમારા માટે ઉત્તમ રહેશે. આ સમયમાં ઉંચો હોદ્દો મળવાની આશા રાખી શકો છો. નવેમ્બરમાં કામકાજ અર્થે લાંબી મુસાફરી અથવા વિદેશયાત્રાના યોગ પણ બની રહ્યાં છે. જો તમે વેપાર-ધંધામાં સંકળાયેલા હોવ તો, આ સમયમાં તમારી બૌદ્ધિકતા ઘણી તીવ્ર રહેશે અને તેનાથી વ્યવસાયમાં આગળ વધવામાં ઘણી મદદ મળી રહેશે. તમે અવિરત પ્રગતિ કરી શકશો. વર્ષના મધ્યમાં કામકાજ થોડુ ધીમુ પડી શકે છે પરંતુ અંતિમ મહિનામાં ખૂબ સારી અને ઝડપી પ્રગતિ થઇ શકે છે.
વૃશ્ચિક રાશિફળ 2021 માટે શિક્ષણ અને જ્ઞાનની બાબતો
વિદ્યાર્થી જાતકોની વાત કરીએ તો, આ વર્ષની શરૂઆત આપના માટે સારી રહેશે અને તમારી મહેનતનું ફળ મળવાથી અભ્યાસ પ્રત્યે તમારી રુચિ વધે તેમજ તમારામાં આગળ વધવાનો આત્મવિશ્વાસ જાગશે. તમે અભ્યાસમાં કોઇ સારી સિદ્ધિ મેળવો અથવા કંઇક નવું શીખવામાં મહારત હાંસલ કરો તેવી પણ શક્યતા છે. ઉચ્ચ શિક્ષણ માટે તમારે પ્રયાસો વધારે કરવા પડશે અન્યથા સફળતાનું લક્ષ્ય પ્રાપ્ત નહીં કરી શકો. એન્જિનિયરિંગ, ભૂગર્ભ શાસ્ત્ર, સ્પેસ અથવા જેમાં વધુ રિસર્ચની જરૂર હોય તેવા અભ્યાસમાં સારું પરિણામ મળે પરંતુ મહેનત તો કરવી પડશે. જો વિદેશ જઇને અભ્યાસ કરવાનું વિચારી રહ્યાં હોવ તો આ વર્ષના અંતિમ ચરણમાં તમારું સપનું સાકાર થવાના અણસાર છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને શરૂઆતના તબક્કેથી જ તમારી તૈયારીઓ શરૂ કરી દેવી.
વૃશ્ચિક રાશિફળ 2021 માટે સ્વાસ્થ્ય
સ્વાસ્થ્યના દૃશ્ટિકોણથી આપના માટે આ વર્ષ મિશ્ર ફળ લઇને આવ્યું છે. વર્ષની શરૂઆતમાં શરીરમાં થોડી સુસ્તિ રહેશે અને તમને ભારે તાવ આવે અથવા લોહીના પરિભ્રમણ સંબંધિત કોઇ સમસ્યાનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. જોકે, આવી સમસ્યાઓ ખૂબ ટુંકા સમય માટે જ રહેશે. વર્ષના મધ્યમાં તમારું સ્વાસ્થ્ય ઘણી હદે સુધરી જશે અને શારીરિક મજબૂતી હાંસલ કરી શકશો. આ વર્ષમાં તમારે ખાસ એક વાતનું ધ્યાન રાખવું પડશે કે, શરીરને પૂરતો આરામ આપવો જરૂરી છે. જો આરામ આપશો તો જ આપ તમારા શરીરમાં ઉર્જાનું સ્તર વધારી શકશો અને સારી રીતે સ્વાસ્થ્ય સંતુલન કરી શકશો. વધુ પડતા ઠંડા પીણાનું સેવન કરવાનું ટાળજો અન્યથા ગળા સંબંધિત સમસ્યા થઇ શકે છે. થોડી તકેદારી રાખશો તો બહેતર સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકશો.
14 Sep 2020
View All articles