મીન રાશિ 2021 : આ વર્ષ સારા પરિણામો આપનારું રહેશે
મીન રાશિના જાતકો સ્વભાવે ઘણા ભાવુક હોય છે. તેમની આ ભાવુકતા જ તેમની સૌથી મોટી શક્તિ બની જાય છે પરંતુ ક્યારેક આ લાગણી તેમના માટે મોટી મજબૂરી પણ બની જાય છે. એક વાતનું ધ્યાન રાખજો કે, પ્રણયજીવનમાં આગળ ડગલાં માંડતી વખતે કોઇના પર સીધો જ વિશ્વાસ કરવો નહીં, અન્યથા તમારો વિશ્વાસઘાત થઇ શકે છે. આવકનો વિચાર કરીએ તો, આ વર્ષ સારા પરિણામો આપનારું રહેશે જેથી આવક મામલે કોઇ ફરિયાદ નહીં રહે. તમારી સાહસ અને પરાક્રમની શક્તિમાં વધારો થશે અને તમે આગળ વધવા માટે જોખમો લેવામાં ગભરાશો નહીં. તમારી આ આદત વેપારમાં તમને પ્રગતિનો માર્ગ તૈયાર કરી આપશે. માત્ર આટલું જ નહીં, આ વર્ષમાં તમને મિત્રોને સાથ ખૂબ જ સારા પ્રમાણમાં મળશે અને તમારી સાથે દરેક કાર્યોમાં ખભાથી ખભો મિલાવીને આગળ વધશે. તેનાથી તમારો સામાજિક દરજ્જો પણ વધશે તેમજ સંખ્યાબંધ લોકો તમને અનુસરવાનું પસંદ કરશે. પરિવારનો માહોલ એકંદરે આશાસ્પદ રહેશે અને તેમના સાનિધ્યમાં આગળ વધવાની સંખ્યાબંધ તકો તમને મળશે. કેટલીક આવશ્યક વાતો પણ તમને શીખવા મળશે જે અત્યાર સુધી તમે ઇચ્છા હોવા છતાં પણ કોઇપણ કારણથી શીખી શક્યા નથી. આ સમયમાં તમારા પિતાજીનું સ્વાસ્થ્ય તમારા માટે થોડી ચિંતાનું કારણ બની શકે છે અને ચિંતાના બોજમાં તમને પણ શારીરિક તકલીફોનો અહેસાસ થઇ શકે છે. આવી સ્થિતિમાં તમે કામકાજની સાથે સાથે તેમના પર ધ્યાન આપો તે આવશ્યક છે. વિદેશ જવાનું સપનું હોય તો, આ વર્ષ આપના માટે બહુ આશાસ્પદ જણાતું નથી. આ દિશામાં કરેલા કાર્યોમાં હજુ પણ તમારી ધીરજની કસોટી થઇ શકે છે. તમે પિતાને ખૂબ જ સન્માન આપશો અને તેમની સંપત્તિના કારણે કોઇપણ પ્રકારે લાભની આશા પણ રાખી શકો છો. આ લાભ તમારી આશા અનુસાર મળી શકે છે અને તેનાથી તમારી માનસિક પ્રસન્નતામાં ઘણો વધારો થશે. મુસાફરી અને યાત્રાઓ આપના માટે શુભ ફળદાયી પુરવાર થઇ શકે છે. યાત્રા દરમિયાન થયેલી મુલાકાતોથી ફાયદો થાય. સમાજમાં અગ્રણી હોય તેવા લોકો સાથે તમારી મુલાકાત થઇ શકે છે અને તેમની સાથે તમારી સ્થિતિમાં પણ ઉન્નતિ આવશે. વિદેશી સ્રોતોમાંથી આ વર્ષે સારા લાભ થવાની અપેક્ષા રાખી શકો છો અને આ પ્રકારે વિદેશી ચલણમાં તમે કમાણી કરો તેવી સંભાવના છે. તમારી માતાના કારણે અનેક પ્રકારે તમને લાભ થવાની શક્યતા છે. જીવનમાં કરેલા અંગત પ્રયાસો તમારી ઉન્નતિનો માર્ગ તૈયાર કરશે જેથી બીજાના ભરોસે બેસી રહેવાના બદલે સ્વબળે આગળ વધવાનું વલણ રાખવું. આમ કરવાથી તમારો લાભ વધવાની સાથે સાથે આત્મવિશ્વાસ પણ વધશે.
મીન રાશિફળ 2021 માટે પ્રણયજીવન, સંબંધો અને દાંપત્યજીવન
પ્રેમસંબંધોના સંદર્ભમાં વિચાર કરીએ તો, આપના માટે આ વર્ષ એકંદરે સારું રહેશે. સંબંધોમાં મજબૂતી આવશે અને કેટલાક લોકો પ્રેમલગ્નનો નિર્ણય લઇ શકે છે. પ્રણયસંબંધિત તમારા પ્રયાસોનું આ વર્ષે શુભ ફળ મળી શકે છે. જો તમે પહેલાંથી કોઇને પ્રેમ કરતા હોવ અને અત્યાર સુધી એકરાર ના કર્યો હોય તો, આ વર્ષ તમારા દિલની વાત રજૂ કરવા માટે બહેતર છે. તેમાં પણ ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો આપના માટે સૌથી ઉત્તમ પૂરવાર થશે. આ સમયમાં તમે સૌથી વધુ રોમેન્ટિક મૂડમાં રહેશો. વિવાહિત જાતકોને, વર્ષની શરૂઆત સહેજ નબળી જણાઇ રહી છે. તમે તમારા જીવનસાથી જોડે કોઇ નજીવી બાબતે તણાવ અનુભવો અને તમારી વચ્ચે મતભેદ થઇ શકે છે. સંબંધોમાં અલગ પડવાના વિચારો આવી શકે છે પરંતુ આ સ્થિતિ ખૂબ ટુંકા સમય માટે હોવાથી ધીરજથી તે તબક્કો પસાર કરવાની સલાહ છે. મે મહિનાની શરૂઆત થતા જ આપના સંબંધોમાં ફરી વસંત ખીલી ઉઠશે. જો આ ઉત્તમ તબક્કાને આવકારવા માટે તમે અગાઉથી તૈયારી કરશો તો સંબંધો એક નવી ઊંચાઇએ પહોંચી શકે છે.
મીન રાશિફળ 2021 માટે નાણાં અને આર્થિક બાબતો
આ વર્ષમાં આપની આવકનો વિચાર કરીએ તો, શરૂઆત તો ઘણી સારી જણાઇ રહી છે અને તમારી કમાણીના કારણે આર્થિક ઉન્નતિ થવાની સાથે સાથે તમારું જીવનધોરણ પણ બહેતર થઇ જશે. અત્યાર સુધી કરેલા પ્રયાસોનું હવે ફળ મળે. તમારા ભાગ્યનો સિતારો હવે ચમકવા લાગશે અને તેના ધન પ્રાપ્તિની આશા રાખી શકો છો. વર્ષના મધ્યમાં તમારે નાણાંના મેનેજમેન્ટ પર થોડું ધ્યાન આપવું પડશે કારણ કે ટેક્સની જવાબદારીઓ વધી શકે છે. જોકે, સામે પક્ષે આવકમાં પણ વધારો થશે. તમે નવા રોકાણ માટેની સંભાવનાઓ ચકાસશો અને તેમાંથી થતા લાભોના આધારે રોકાણનો નિર્ણય લઇ શકો છો. ક્યાંક તમારા પૈસા અટવાયેલા હશે તો તે પણ પાછા આવવાની આશા રાખી શકો છો. આમ થતા તમારી ખુશીમાં વધારો થશે અને આર્થિક તંગી દૂર થશે.
મીન રાશિફળ 2021 કારકિર્દી, નોકરી અને વ્યવસાય
નોકરિયાત જાતકોને વર્ષની શરૂઆત ઘણી ઉત્તમ જણાઇ રહી છે. તમે પોતાના કાર્યોમાં મહારત હાંસલ કરશો અને અનઅપેક્ષિત પરિણામો પ્રાપ્ત કરીને બીજાને ચોંકાવી શકો છો. તેનાથી તમારી અલગ ઓળખ બનશે તેમજ સરકારી તંત્ર દ્વારા પણ સારો લાભ અને સહયોગ મળવાની આશા રાખી શકો છો. જો તમે પહેલાંથી જ સરકારી કર્મચારી હોવ તો, આ વર્ષમાં તમને ઘણો સારો લાભ મળવાની શક્યતા છે પરંતુ અન્ય ક્ષેત્રોમાં સારી શરૂઆત થયા બાદ જેમ જેમ સમય વીતશે તેમ તમારા પર થોડું દબાણ અને કામનું ભારણ આવી શકે છે. વર્ષના ઉત્તરાર્ધમાં તમારીના કારણે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. તમે પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવી શકો છો. જો વેપારમાં જોડાયેલા હોવ તો, વર્ષની શરૂઆતથી જ તમે કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો અને સંપૂર્ણ ઇમાનદારી સાથે આગળ વધવાનું વધારે પસંદ કરશો. તમે સરકારી અને કાયદાકીય ક્ષેત્રોમાંથી લાભ મળવાની પણ આશા રાખી શકો છો. વિશેષ કરીને ટેક્સ અને અન્ય ક્ષેત્રોમાંથી કોઇ સારો લાભ મળવાની પણ આશા રાખી શકો છો. આનાથી તમારા વેપારમાં વિસ્તરણ અને વૃદ્ધિ થશે. આ વર્ષે કોઇ આપ્તજનની સલાહ તમારા માટે લાભદાયી પુરવાર થઇ શકે છે.
મીન રાશિફળ 2021 માટે શિક્ષણ અને જ્ઞાનની બાબતો
શૈક્ષણિક મોરચે આપના માટે આ વર્ષ ખૂબ જ સારું અને સિદ્ધિદાયક પુરવાર થશે પરંતુ ક્યારેક ક્યારેક તેમાં મોટા ચડાવઉતારની શક્યતા છે માટે આવા તબક્કા ખૂબ જ ધીરજપૂર્વક પસાર કરવાની સલાહ છે. ગ્રહોનું સંયોજન એવી રીતે બની રહ્યું છે કે, તમને શિક્ષણ મેળવવામાં ઘણો આનંદ થશે અને તમારી જ્ઞાનપીપાસા સંતોષવા માટે તમે નવું શીખવાની અલગ અલગ રીતો અપનાવશો પરંતુ વચ્ચે આવતા અવરોધો તમને ક્યારેક અભ્યાસથી વિમુખ કરી શકે છે. આવી સ્થિતિમાં તમારે મનની મક્કમતા વધારવી જરૂરી છે. જો ધીરજપૂર્વક તબક્કો પસાર કરશો તો, ચોક્કસપણે અભ્યાસમાં સારા પરિણામો પ્રાપ્ત કરી શકો છો. ઉચ્ચ શિક્ષણમાં જોડાયેલા જાતકો માટે સમય થોડો નબળો સાબિત થઇ શકે છે માટે અપેક્ષિત પરિણામો લાવવા હોય તો અથાક પ્રરિશ્રમ કરવાની તૈયારી રાખવી. યોગ્ય સમયે યોગ્ય વિકલ્પ પસંદ કરવાથી તમને થોડી રાહત મળી શકે છે. આના માટે તમે કોઇ વિદ્વાન વ્યક્તિનું માર્ગદર્શન લઇ શકો છો. જો તમે વિદેશમાં અભ્યાસ કરવા માંગતા હોવ તો, ઘણી મહેનત કરવી પડશે કારણ કે સરળતાથી કોઇ વિદેશી યુનિવર્સિટીમાં એડમિશન મળે તેવું લાગતું નથી. લક્ષ્ય પર સતત ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.
મીન રાશિફળ 2021 માટે સ્વાસ્થ્ય
આ વર્ષની શરૂઆત આરોગ્ય બાબતે ઘણી સારી રહેશે અને તમારી ચુસ્તિસ્ફૂર્તિનું સ્તર ઘણું સારું રહેશે. તમે તમારી દિનચર્યાને વધુ વ્યવસ્થિત રાખવામાં સફળ રહેશો. જો પહેલાંથી જ કોઇ બીમારીનો સામનો કરી રહ્યાં હોવ તો, આ વર્ષમાં તેમાંથી નોંધપાત્ર રાહત મળવાની અથવા સંપૂર્ણ મુક્તિ મળવાની સંભાવના પણ જણાઇ રહી છે. તમે અંદરથી ઉર્જાવાન હોવાનો અહેસાસ કરશો. તમારામાં શક્તિનો સંચાર થતો હોવાથી કસરત અથવા અન્ય કોઇ યોગ્ય દિશામાં તે શક્તિને વાળશો તો ઉત્તમ શારીરિક શૌષ્ઠવ પ્રાપ્ત થશે. મે મહિનાથી ઑગસ્ટ સુધીના તબક્કામાં સ્વાસ્થ્ય બાબતે થોડું ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે આ સમયમાં ખાસ કરીને પેટ સંબંધિત વિકાર થવાની શક્યાત વધી શકે છે. કિડનીની સમસ્યા હોય તેમણે પણ ખાસ કાળજી લેવી. બાકીનો તબક્કો એકંદરે બહેતર જણાઇ રહ્યો છે.
14 Sep 2020
View All articles