રમતગમત

ન્યૂઝીલેન્ડ સામે હાલમાં જ પૂર્ણ થયેલી વનડે સીરિઝમાં અેક સદી અને ત્રણ અડધી સદી ફટકારનાર વિરાટ કોહલી સીરિઝમાં ટોચનો સ્કોરર રહ્યો છે અને અાગામી 9 નવેમ્બરથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી સીરિઝ માટે સંપૂર્ણપણે સજ્જ થવા માટે દિવાળીના રજાઅો ગોવામાં ગાળી હતી. હાલમાં કોહલીને વર્તમાન ક્રિકેટનો સૌથી શ્રેષ્ઠ ખેલાડી માનવામાં અાવે છે. ક્રિકેટપ્રેમીઅોમાં પણ તેને લઇને અનેક અેપેક્ષાઅો જોવા મળી રહી છે અને જે રીતે તે તેનું રન મશીન ચલાવી રહ્યો છે તે જોતા તેની પણ ગણતરી સચિન તેંડુલકર, બ્રાયન લારા અને ડોન બ્રેડમેન જેવા દિગ્ગજ ખેલાડી તરીકે થાય તો નવાઇ નહીં.

તાજેતરમાં યોજાયેલી રિયો પેરાલિમ્પિકમાં અેકમાત્ર ગોલ્ડ મેડલ હાંસલ કરવાના ધ્યેય સાથે ભાગ લેનારા શૂરવીર ભાલા ફેંકના ખેલાડી દેવેન્દ્ર ઝાઝરીયાઅે બીજી વખત ગોલ્ડ મેડલ જીતીને ભારતના ગૌરવમાં વધારો કર્યો છે. અા સાથે પેરાલિમ્પિક ગેમમાં બીજો ગોલ્ડ મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય બની ચૂક્યા છે. ઝાઝરીયાઅે વર્ષ 2004માં યોજાયેલી અેથેન્સ પેરાલિમ્પિકમાં પણ 62.15 મીટર સુધી ભાલો ફેંકીને પહેલો ગોલ્ડ મેડલ તેના નામે કર્યો હતો. નવાઇની વાત અે છે કે રિયોમાં તેણે પોતાનો જ રેકોર્ડ તોડતા 63.97 મીટર ભાલો ફેંકીને ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.