ધન અને તુલા રાશિ વચ્ચે સુસંગતતા
ધન અને તુલા જાતકો વચ્ચેના સંબંધો અદ્ભુત હોય છે. તુલા જાતકો સંતુલન અને સુમેળ સાધવાની વૃત્તિ ધરાવતા હોય છે. ધન જાતકો બુદ્ધિશાળી અને મોજમજા પ્રિય હોય છે. પરંતુ તુલા જાતકોમાં એક વિચિત્ર લાક્ષણિકતા એ જોવા મળે છે કે તેઓ લાગણીના એક તબક્કામાંથી બીજા તબક્કામાં બહુ ઝડપથી સરી પડતા હોય છે. અત્યારે તેઓ ખુશ જણાતા હોય તો થોડા સમય બાદ ઉદાસ પણ બની જાય છે. એટલે કે તેમના મૂડમાં ફેરફારો આવતા રહે છે. જ્યારે ધન જાતકો સીધા-સાદા, ભોળા અને બહિર્મુખ હોય છે. તેઓ તુલા જાતકને સંતુલન જાળવવામાં મદદ કરે છે, અને સાચી દિશા સૂચવે છે.
ધન પુરુષ અને તુલા સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ બંનેની જોડી સ્વર્ગમાં બનાવવામાં આવી છે એમ કહેવું પડે. તેમની વચ્ચે પ્રેમનું અદ્ભુત બંધન, આત્મીયતા અને સમજદારી એટલી પ્રવર્તે છે કે તે અન્ય લોકોની ઇર્ષાનું કારણ બને છે. પુરુષ પોતાની લાગણીઓ આસાનીથી સ્ત્રી સમક્ષ વ્યક્ત કરી શકે છે. તેમની વચ્ચેનું શારીરિક આકર્ષણ તેમનામાં ઉત્તેજના અને આત્મીયતા ટકાવી રાખે છે. પુરુષ પોતાના હાજરજવાબી અને વાતોડિયા સ્વભાવથી સ્ત્રીનાં ઉદાસ મૂડને ખુશીમાં પલટાવી શકે છે. બીજી તરફ, સ્ત્રી પુરુષ પર અપાર વિશ્વાસ મુકે છે અને તેને પ્રેમની વર્ષાથી તરબતર કરે છે.
ધન સ્ત્રી અને તુલા પુરુષ વચ્ચે સુસંગતતા
તુલા પુરુષ જો ધન મહિલા જાતક સાથે લગ્ન કરે તો તે સૌથી સુખી માણસ કહેવાશે, આ યુગલ એકબીજાના સહવાસમાં પ્રેમ, ખુશી, રોમાન્સ બધાનો જ આનંદ માણે છે અને સંબંધોથી સંતોષ અનુભવે છે. ધન મહિલા જાતક તુલા પુરુષને સફળતાના શિખર પર પહોંચવામાં પ્રોત્સાહન આપશે. તેના બદલામાં પુરુષ પણ પોતાની બહુમુખી પ્રતિભા દ્વારા સ્ત્રીને આકર્ષે છે. કેટલીક વખત તુલા પુરુષ ધન મહિલા જાતકના આકરા વેણ અને તીખી જીભથી ઉશ્કેરાય છે પરંતુ બંને વચ્ચે સારી સમજદારી હોવાને કારણે આ પરિસ્થિતિ લાંબો સમય ટકતી નથી.