મીન અને મિથુન રાશિ વચ્ચે સુસંગતતા
તેમની વચ્ચેની સુસંગતતા તેમના સ્વભાવની લવચિકતાને કારણે વધુ સારી બને છે. તેઓ બંને નવા વિચારો અને મંતવ્યોને અપનાવે છે. સમાધાન માટે તેઓ હંમેશા તૈયાર હોય છે. પરંતુ મીન જાતકોના લાગણીશીલ સ્વભાવ અને મિથુન જાતકોના બેફીકર સ્વભાવને કારણે તેમના સંબંધમાં ઓટ આવી શકે છે. મીન જાતકો તરંગી હોય છે અને મિથુન જાતકો વ્યવહારૂ દ્રષ્ટિએ વિચારે છે. જો મિથુન જાતકો સંવેદનશીલ બનવાનું શીખે અને મીન જાતકો વ્યવહારૂ બનીને વિચારવાનું શીખે તો તેમની સુસંગતતામાં આવતી સમસ્યાઓ દૂર થઇ શકે છે.
મીન પુરુષ અને મિથુન સ્ત્રી વચ્ચે સુસંગતતા
પુરુષનો જુસ્સો અને ઉત્તેજના સ્ત્રીને આકર્ષી શકે છે. થોડા સુખના દિવસો બાદ મતભેદો સપાટી પર આવવા લાગે છે. પુરુષ માટે તેની લાગણીઓની અભિવ્યક્તિ મુશ્કેલ બની શકે છે જ્યારે સ્ત્રી સરળતાથી પોતાના વિચારો જણાવી શકે છે. સ્ત્રીની તીખી વાણી અને બેપરવા સ્વભાવ પુરુષના સંવેદનશીલ હ્રદયને દુઃખ પહોચાડી શકે છે. આ સંબંધને જાળવી રાખવા માટે સ્ત્રીએ પુરુષ પર પ્રેમ અને લાગણીઓ વરસાવી જોઇએ, જેથી પુરુષ ખુલીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે. તેમની સુસંગતતાને વધુ મજબૂત બનાવવા પુરુષે સ્ત્રી સાથે વાતચીત અને વિચારોની આપ-લે વધારવી જોઇએ.
મીન સ્ત્રી અને મિથુન પુરુષ વચ્ચે સુસંગતતા
આ યુગલને યોગ્ય જોડી ન કહી શકાય. પુરુષ બદલાતા રહેવાનું વલણ ધરાવે છે. સમય સાથે તેની પસંદ-નાપસંદ બદલાતી રહે છે. જે તેને આજે ગમતું હોય તે આવતીકાલે ન ગમતું હોય તેવી પણ શક્યતા છે અને આ નકારાત્મક લક્ષણને કારણે તેમની સુસંગતતા પર ખરાબ અસર પડે છે. સ્ત્રી કોઇ એવી વ્યક્તિ ઇચ્છે છે જે તેની કાળજી લે, પ્રેમ અને સુરક્ષા આપે જ્યારે પુરુષના શબ્દકોષમાં ભાવનાત્મક જોડાણ જેવો કોઇ શબ્દ નથી હોતો. હકારાત્મક પાસું એ છે કે સ્ત્રી પરિસ્થિતિને અનુકૂળ બનાવવા પોતાની સમજશક્તિનો ઉપયોગ કરી શકે છે.