For Personal Problems! Talk To Astrologer

સિંહ વિસ્તૃત સમજ

સિંહ રાશિ વિશે વિસ્તૃત સમજ

સિંહ જેવી સિંહ રાશિ પહાડોમાં રહે છે અને કાળપુરુષના હૃદયનું પ્રતિનિધિત્વ કરે છે. જંગલો, કિલ્લાઓ, પર્વતો અને ગુફાઓમાં તેનું નિવાસસ્થાન હોવાનું મનાય છે.

રાશિચક્રની પાંચમી રાશિ સિંહના જાતકોની વર્તણુંકથી માંડીને તેમની પસંદગી અને રહેણીકઽણીમાં શાહી ઠાઠમાઠ, ભવ્યતા અને મનનું સૌંદર્ય છલકાતું જોવા મળે છે. તેઓ રાશિ મંડળના રાજા છે. અહંકાર તેમની વિશિષ્ટ લાક્ષાણિકતા છે.

સિંહ જાતકો ઘણા ગર્વિષ્ઠ, આત્મવિશ્વાસુ, ઉદાર, પ્રમાણિક, નિખાલસ, સાહસિક, લાગણીશીલ અને મોહક હોય છે. તેમની વર્તણુંક ઘણી વખત સહજ કરતા નાટકીય વધારે જોવા મળે છે. આ રાશિના જાતકો વિજેતા પણ હોય છે કારણ કે હાથમાં લીધેલું કાર્ય પૂરૂં કર્યા બાદ પોતે મોખરે નહીં રહે એવું જ્યાં લાગે તે કામ તેઓ હાથમાં લેતા નથી. તેમની યોગ્યતાની સ્વીકૃતિ માટે જો કોઈ દલીલબાજી થાય કે નિષ્ફળતા મળે તો તરત જ તેઓ ઉગ્ર પ્રત્યાઘાતો દર્શાવે છે. પરંતુ ભૂલ કરનારને માફી આપવાનું ઔદાર્ય પણ તેમનામાં હોય છે. કોઈપણ સિંહ જાતકને તમારા ઘરમાં તમે મહત્વ આપો અને તેને રોયલ ટ્રીટમેન્ટ આપો તો ઉગ્ર સ્વભાવવાળા તે જાતકને હંમેશા તમારા વશમાં રાખી શકો છો.

સિંહ જાતકો જન્મજાત નેતા હોય છે. તેમને છળકપટવાળી અને અપ્રમાણિક વ્યક્તિઓ બિલકુલ ગમતી નથી. તેઓ ખૂબ જ ઉમદા અભિગમ ધરાવતા હોય છે. હંમેશા જૂથ અને સમૂહમાં લોકોથી વિંટળાયેલા રહેવાનું પસંદ કરતા સિંહ જાતકો ટોળામાં પણ જુદા તરી આવે છે. તેઓ હંમેશા પોતાની છાપ અન્ય લોકો પર છોડી જવાનો અર્થાત્ અન્ય લોકોને પોતાનાથી પ્રભાવિત કરવાનો ઉદ્દેશ્ય રાખતા હોવાથી તેમને ભૂલવા અશક્ય હોય છે. તેઓ તેમની અંદર રહેલા અદ્ભુત કરિશ્માથી બધા કામ ખૂબ જ સરળતાથી પાર પાડે છે. તેઓ ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે અને ધ્યેયને પૂરા કરવાની તેમનામાં રહેલી ઉત્કટ ઈચ્છા જ લક્ષ્યાંક પૂરૂં કરવાનું બળ પૂરૂં પાડે છે. અત્યંત પ્રભાવશાળી અને નાટ્ય ક્ષેત્રે અભિરૂચિ ધરાવતા હોવાથી ફિલ્મ અને નાટ્યક્ષેત્રે પ્રસિદ્ધિ મેળવનારી મોટાભાગની વ્યક્તિઓ સિંહ જાતકો હોય છે. પાર્ટીઓમાં અને સામાજિક મેળાવડાઓમાં તેઓ આકર્ષણનું કેન્દ્ર હોય છે. સિંહ જાતકો બોલવામાં આખાબોલા, અશિષ્ટ અને તોછડા હોવાથી લોકોને તેમના બોલવા પર માઠું પણ લાગી જાય છે. તેમ છતાં, સૌંદર્ય પ્રત્યે ઘણી સારી સૂઝ ધરાવતા આ સિંહ જાતકોને પરિસ્થિતિ અનુસાર વિનયી અને મુત્સદ્દી બની જતા પણ વાર નથી લાગતી. જો કે તેઓ સમૃદ્ધ, નીડર, વિખ્યાત અને સુંદર વ્યક્તિઓ પ્રત્યે બહુ આસાનીથી આકર્ષાય છે અને ભૌતિક સુખ-સમૃદ્ધિ તથા વૈભવ વિલાસ મા ગેરમાર્ગે દોરાય છે. કારણ કે તેમને શ્રેષ્ઠ કક્ષાની જીવનશૈલી પસંદ હોય છે.

મોટાભાગના સિંહ જાતકો રમતગમતના શોખીન હોય છે અથવા તો અત્યંત સક્રિય અને ઉત્સાહ ઉમંગથી છલકાતા હોય છે. તેઓ આવી કોઈપણ પ્રવૃત્તિમાં દિલ દઈને કામ કરે છે, કમસે કમ શરૂઆતમાં તો કરે જ છે. પરંતુ થાકી ગયા પછી એ કામ કે પ્રવૃત્તિ ચાલુ રાખવાનું તેમના સ્વભાવમાં નથી. વ્યવસાયમાં સિંહ જાતકોને યુવાવસ્થાથી જ ઊંચા હોદ્દાવાળી કે પ્રતિષ્ઠિત જોબ વધારે ગમે છે, ખાસ કરીને મેનેજર કે આગેવાન તરીકે રહેવું પસંદ કરે છે. આરામદાયક જિંદગી જીવવાની આદત ધરાવતા આ જાતકો પોતાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સારી કમાણી કરવાની વ્યવસ્થા કરી જ લેતા હોય છે. સ્વાભિમાની, બળવાન, આદર્શવાદી અને વ્યવસ્થિત આ જાતકો પોતાની અંદર રહેલી શક્તિ જાણતા હોય છે. આ જ તાકાતથી તેઓ બધા કાર્યો પાર પાડે છે. એટલું જ નહીં અન્ય લોકોને પણ પ્રેરણા આપે છે.

તેમની રચનાત્મકતા, આદર્શવાદ, નેતૃત્વશક્તિ, અખૂટ ઉત્સાહ અને મહત્વાકાંક્ષા જ તેમની મહામુલી મૂડી છે. સિંહ જાતકો બહાર ફરવાના શોખીન, આત્મવિશ્વાસથી છલકાતા અને જોમ-જુસ્સા વાળા તેમજ સફળતા મેળવનારા હોય છે. તેઓ મક્કમ નિર્ધાર ધરાવતા હોય છે. કેટલીક વખત તેઓ ઘમંડી અને તોરીલા પણ બની જાય છે. દેખાવ ગમે તેવો હોય તો પણ તેઓ અત્યંત અભિમાની, નિર્ણાયક અને ગજબના રોમેન્ટિક હોય છે. ખૂબ જ ઉત્સાહી, નીડર અને બળવાન સિંહ જાતકો બહુ ઓછી ભૂલો કરે છે. પોતાના દરજ્જા પ્રત્યે તેઓ સભાન હોવા છતાં તેમનો સ્વભાવ ઉષ્માભર્યો અને હેતાળ હોય છે તથા બધાને ખુશ રાખવા માગે છે. આથી તેઓ પૈસા પણ છૂટથી ખર્ચે છે. તેમને ન તો અગવડતાભર્યો માહોલ ગમે છે અને ન કોઈ એવી વસ્તુ જે તેમની સુખસગવડમાં અવરોધ સર્જે.

સિંહ રાશિ પર સૂર્યનું આધિપત્ય છે, જે બ્રહ્માંડનું કેન્દ્ર છે, તે જ પ્રમાણે સિંહ જાતકો પોતાની જાતને અનિવાર્ય અને અત્યંત જરૂરી ગણે છે. તથા પોતાને માનવીઓના સામૂહિક જીવનનું કેન્દ્ર માને છે. તેઓ પ્રેમાળ, દરકારવાળા અને વિશિષ્ટ સ્ટાઈલથી જીવનારા હોય છે. સિંહ જાતકોનો પ્રિયતમાને રિઝવવાનો અંદાજ પણ અનોખો હોય છે. તેઓ કિંમતી ભેટ-સોગાદો આપીને કે કોઈ મોટી રેસ્ટોરામાં પાર્ટી આપીને તેને ખુશ કરે છે. સિંહ જાતકો માટે મેષ અને ધન રાશિના જાતકો આદર્શ જીવનસાથી પુરવાર થઈ શકે છે. તેમનું લગ્નજીવન જો સરળતાથી ચલાવવું હોય તો તેમણે જીવનસાથી પર પોતાની જોહુકમી ઓછી ચલાવવી પડશે અને તેને સમાન દરજ્જો આપવો પડશે.

સિંહ સાપ્તાહિક ફળકથન – 18-04-2021 – 24-04-2021

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

સિંહ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : સિંહ | નામનો અર્થ : સિંહ | પ્રકાર : અગ્નિ- સ્થિર- સકારાત્મક | સ્વામી ગ્રહ : સૂર્ય | ભાગ્યશાળી રંગ : સોનેરી, નારંગી, સફેદ, લાલ | ભાગ્યશાળી દિવસ : રવિવાર