For Personal Problems! Talk To Astrologer

શ્રાવણ મહિનાના સોળ સોમવારના વ્રતનું મહત્વ અને પૂજા વિધિ


Share on :


હિન્દુ શાસ્ત્રોમાં શ્રાવણને સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે અને તેમાં પણ આ મહિનામાં ભગવાન શિવની આરાધાનાનો અનેરો મહિમા છે. શ્રાવણમાં પણ ખાસ કરીને સોમવારનું વિશેષ મહત્વ છે. સોમવાર શિવજીનો દિવસ ગણાતો હોવાથી આ દિવસે કરેલા ઉપવાસથી શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શ્રાવણના સોમવાર ઉપરાંત શ્રાવણથી શરૂ કરીને સોળ સોમવારનું વ્રત કરવાથી પણ મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.

શ્રાવણ મહિનામાં સોમવારનું વ્રત

શ્રાવણના આ પવિત્ર મહિનામાં ભક્તો બે પ્રકારના વ્રત કરે છે:

– શ્રાવણના સોમવારનું વ્રત: શ્રાવણ મહિનામાં સોમવારે જે ઉપવાસ કરવામાં આવે અને શિવજીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે તેને શ્રાવણના સોમવારનું વ્રત કહેવામાં આવે છે. સોમવારનો દિવસ ભગવાન શિવજીને સમર્પિત છે.
– સોળ સોમવારનું વ્રત: શ્રાવણ મહિનાને હિન્દુ શાસ્ત્રમાં સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. આથી આ મહિનામાં સોળ સોમવારનું વ્રત શરૂ કરવાથી મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે અને તેનું અનેકગણું પુણ્ય મળે છે. સોળ સોમવારનું વ્રત શરૂ કરવા માટે આ સમય ખૂબ ઉત્તમ માનવામાં આવે છે.

શ્રાવણ મહિનાથી સોળ સોમવારનું વ્રત

શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી શરૂ કરીને 16 સોમવાર સુધી આ વ્રત કરવામાં આવે છે. ભગવાન ભોળાનાથને આ વ્રત અત્યંત પ્રિય છે. આ મહિનામાં સોમવારનું વ્રત અને શ્રાવણના સ્નાનની વિશેષ પરંપરા છે. શ્રાવણ મહિનામાં બિલ્વપત્રથી ભગવાન શિવની પૂજા કરવાથી અને તેમનો જળાભિષેક કરવાથી ખૂબ જ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે.
શ્રદ્ધાપૂર્વક સોમવારનું વ્રત કરનારા ભક્તોની મનોકામનાઓ ભગવાન શિવ અચૂક પૂર્ણ કરે છે. શ્રાવણ મહિનામાં જ્યોતિર્લિંગના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ જાય છે.

શ્રાવણ મહિનાનું વ્રત અને પૂજા વિધિ

સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરવું.
ઘરના મંદિરમાં પૂજા-અર્ચના કરવી.
શિવલિંગ પર દુધનો અભિષેક કરવા માટે શિવ મંદિરે જવું.
શિવજી સમક્ષ આસન પાથરીને બેસવું અને શ્રદ્ધાપૂર્વક મહાદેવના વ્રતનો સંકલ્પ કરવો.
આખો દિવસ ઉપવાસ કરવો તેમજ સવારે અને સાંજે શિવજીની પૂજા-અર્ચના કરવી.
પૂજા માટે તલના તેલનો દીપક પ્રગટાવવો અને ભગવાન શિવને પુષ્પો અર્પણ કરવા.
ભગવાન શિવજીને સોપારી, પંચામૃત, નાળીયેર અને બિલ્વપત્ર અર્પણ કરવા.
વ્રત દરમિયાન સોળ સોમવારના વ્રતની વાર્તા અચુક વાંચવી.
પૂજા સમાપ્ત થયા પછી પ્રસાદ વહેંચવો.
સાંજે પૂજા પૂર્ણ થયા પછી વ્રતના પારણા કરવા માટે સાત્વિક ભોજન લેવું.

સોળ સોમવારના વ્રતથી થતા ફાયદા

શ્રાવણ મહિનો શિવજીને સમર્પિત છે. આથી, કોઇપણ ભક્ત સાચા મનથી અને આસ્થાપૂર્વક મહાદેવની પૂજા કરે અને ઉપવાસ કરે તો નિશ્ચિતરૂપે શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
વિવાહિત મહિલાઓ તેના દાંપત્યજીવનમાં ખુશીઓ લાવવા માટે અને અવિવાહિત યુવતીઓ સારા પતિની પ્રાપ્તિ માટે પણ શિવજીનું વ્રત રાખે છે.

કાવડ યાત્રા

આ પવિત્ર મહિનામાં શિવભક્તો દ્વારા કાવડ યાત્રા યોજવામાં આવે છે. ઉત્તરાખંડમાં આવેલી શિવનગરી હરિદ્વાર અને ગંગોત્રી ધામમાં સેંકડો શિવ ભક્તો આવે છે. તેઓ આ યાત્રાધામોથી ગંગાનું પાણી કાવડમાં ભરીને તેમના ખભા પર ઊંચકીને લઇ જાય છે અને બાદમાં તે ગંગાજળથી શિવજીનો અભિષેક કરવામાં આવે છે. આ યાત્રામાં ભાગ લેનારા ભક્તોને કાવડિયા અથવા કાવરિયા તરીકે ઓળખવામાં આવે છે.

કાવડ યાત્રાની પૌરાણિક કથા

કાવડ યાત્રા સાથે સંખ્યાબંધ કથાઓ સંકળાયેલી છે જેમાંથી એક કથા અનુસાર, એવું કહેવામાં આવે છે જ્યારે દેવતાઓ અને દાનવોએ સમુદ્રમંથન કર્યું ત્યારે તેમાંથી રત્નોની સાથે વિષ પણ નીકળ્યું હતું જેનાથી બ્રહ્માંડનો નાશ થવાનો ભય હતો. બ્રહ્માંડની રક્ષા માટે ભગવાન ભોળાનાથે તે વિષ પી લીધું હતું અને પોતાના ગળામાં અટકાવી રાખ્યું હતું. આમ કરવાથી તેમનું ગળું નીલા (વાદળી) રંગનું થઇ જતા તેમનું નામ નીલકંઠ પડ્યું. વિષની વિપરિત અસર શિવજીના શરીર પર પડી ત્યારે તેમના ભક્ત રાવણે કાવડમાં ગંગાજળ લાવીને શિવજીનો અભિષેક કર્યો હતો અને તેનાથી શિવજીને વિષના દુષ્પ્રભાવથી મુક્તિ મળી હતી. ત્યારથી શિવજીની ઉપાસના માટે કાવડ યાત્રા યોજાતી હોવાનું માનવામાં આવે છે.

શ્રાવણ મહિનાનો મંત્ર

શ્રાવણ મહિનામાં શિવજીની ઉપાસના માટે પંચાક્ષરી મંત્ર “ॐ નમઃ શિવાય”નો જાપ કરવો.

આ 5 વસ્તુ ઘરમાં લાવવાથી ભગવાન ભોળાનાથ ખુશ થશે અને સુખ, સૌભાગ્ય તેમજ સમૃદ્ધિ પ્રાપ્ત થશે


1. રુદ્રાક્ષ – સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે શ્રાવણ મહિનાના પહેલા દિવસે રુદ્રાક્ષ ચાંદીમાં ઘડાવીને ધારણ કરવો અત્યંત શુભ માનવામાં છે.

2. જળનું પાત્ર – શ્રાવણ મહિનાના પહેલા દિવસે જો ચાંદી, તાંબુ અથવા પિત્તળનું જળનું પાત્ર ખરીદવામાં આવે તો તે અત્યંત શુભ રહેશે. આ પાત્રમાં પાણી ભરી રાખવું અને ભગવાન શિવને અર્પણ કરવું. તેનાથી શિવજી પ્રસન્ન થાય છે.

3. ચાંદીનું કડું અથવા મોતી – ભગવાન શિવ તેમના પગમાં ચાંદીનું કડું પહેરે છે. જો શ્રાવણ મહિનાના પહેલા દિવસે ચાંદીનું કડું અથવા મોતી ખરીદવામાં આવે તો તીર્થયાત્રાએ જવાના અથવા વિદેશગમનના શુભયોગ બને છે.

4. ચાંદીનું બિલ્વપત્ર – શ્રાવણ મહિનામાં દરેક વ્યક્તિ શિવલિંગ પર બિલ્વ પત્ર અર્પણ કરે છે પરંતુ ઘણી વખત શુદ્ધ અને અખંડિત બિલ્વપત્ર મળવા મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં ચાંદીનું બિલ્વપત્ર ભગવાન શિવને અર્પણ કરવા ઉપરાંત જળથી અભિષેક કરાવી શકાય છે. આમ કરવાથી લાખો પાપ નષ્ટ થાય છે અને દરેક કાર્યમાં શુભ સંયોગ બને છે.

5.  ચાંદીનો ચંદ્ર – ભગવાન શિવના માથામાં ચંદ્ર સુશોભિત છે. જો શ્રાવણ મહિનાના પહેલા દિવસે ચાંદીનો ચંદ્ર ખરીદવામાં આવે તો ચંદ્રની શીતળતાના કારમે મન શાંત અને મજબૂત બને છે.

14 Jul 2020


View All blogs

More Articles