હિન્દુ શાસ્ત્રો અનુસાર વર્ષમાં ચાર વર્ષ નવરાત્રી આવે છે જેમાં ખાસ કરીને આસો મહિનાની સુદ એકમથી શરૂ થતી નવરાત્રીનું મહત્વ વિશેષ હોય છે. રાસ-ગરબાના આનંદની સાથે સાથે માં આદ્યશક્તિની ઉપાસના કરવા માટે આ ઉત્તમ અવસર માનવામાં આવે છે. કહેવાય છે કે, આ સમયમાં પૂર્ણ આસ્થા સાથે જો માતાનું અનુષ્ઠાન કરવામાં આવે તો મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે, અનેક સિદ્ધિઓ અને શક્તિ પ્રાપ્ત થાય છે. નવરાત્રીના નવ દિવસમાં માતાના અલગ અલગ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક સ્વરૂપની વિશેષ ઓળખ છે અને તેમની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્વ પણ છે. આ વર્ષે 17 ઓક્ટોબર 2020ના રોજથી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે, માતાના આ નવ સ્વરૂપો વિશે અહીં વિગતવાર માહિતી આપવામાં આવી છે.
પ્રથમ નોરતે આદ્યશક્તિના પહેલા સ્વરૂપ શ્રી શૈલીપુત્રીનું પૂજન કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર આ સ્વરૂપ હિમાલયની પુત્રી હોવાથી તેને શૈલીપુત્રી કહેવામાં આવે છે. સૌભાગ્ય પ્રાપ્તિ માટે માતા શૈલપુત્રીનું પૂજન કરવામાં આવે છે. તેમની પૂજા માટે મંત્ર નીચે દર્શાવ્યા અનુસાર છે.
वंदे वाद्द्रिछतलाभाय चंद्रार्धकृतशेखराम |
वृषारूढां शूलधरां शैलपुत्री यशस्विनीम् ||
માતા આદ્યશક્તિના બીજુ સ્વરૂપ માતા બ્રહ્મચારિણીની પૂજા બીજા નોરતે કરવામાં આવે છે. તેમણે ભગવાન શંકરને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા તેમણે તપસ્યા કરી હોવાથી તપશ્ચારિણી નામથી પણ ઓળખાય છે. કોઈપણ કાર્યમાં અપેક્ષિત સિદ્ધિ મેળવવા માટે તેમની ખાસ પૂજા કરવામાં આવે છે. માતા બ્રહ્મચારિણીની પૂજાનો મંત્ર નીચે દર્શાવ્યા અનુસાર છે.
या देवी सर्वभूतेषु माँ ब्रह्मचारिणी रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
दधाना कर पद्माभ्याम अक्षमाला कमण्डलू।
देवी प्रसीदतु मई ब्रह्मचारिण्यनुत्तमा।।
ત્રીજા નોરતે માતા આદ્યશક્તિના ત્રીજા સ્વરૂપ માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. તેમના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંન્દ્ર હોવાથી તેમને માતા ચંદ્રઘંટા કહેવામાં આવે છે. કોઈપણ રોગમાંથી મુક્તિ મેળવવા માટે તેમજ ખૂબ સારું સ્વાસ્થ્ય હાંસલ કરવા માટે તેમની પૂજા કરવામાં આવે છે. માતા ચંદ્રઘંટાની પૂજા માટે નીચે દર્શાવ્યા અનુસાર મંત્ર છે.
पिण्डज प्रवरारुढ़ा चण्डकोपास्त्र कैर्युता |
प्रसादं तनुते मह्यं चंद्र घंष्टेति विश्रुता ||
ચતુર્થ નોરતે માતા આદ્યશક્તિના ચોથા સ્વરૂપ શ્રી કૂષ્માંડાની પૂજા કરવાથી સુંદર દેખાવ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ મળે છે. આપ . તેમને આદિસ્વરૂપ અથવા આદિશક્તિ પણ કહેવામાં આવે છે કારણ કે શાસ્ત્રોમાં ઉલ્લેખ અનુસાર તેમના ઉદરમાંથી સમગ્ર બ્રહ્માંડનું નિર્માણ થયું છે. માતાના આ સ્વરૂપની પૂજાથી અષ્ટ સિદ્ધિ, નવ નીધિ મળે છે. માતાના આ સ્વરૂપની પૂજા માટે નીચે દર્શાવ્યા અનુસાર મંત્ર છે.
सुरासम्पूर्णकलशं रुधिराप्लुतमेव च ।
दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे ॥
આદ્યશક્તિનું પાંચમુ રૂપ એટલે શ્રી સ્કંદમાતા. શ્રી સ્કંદ (કુમાર કાર્તિકેય) ના માતા હોવાથી તેમને શ્રી સ્કંદમાતા કહેવામાં આવે છે. સ્કંદમાતાનું પૂજન કરવાથી પુત્રસુખ મળે છે. તેમની પૂજાથી ભગવાન કાર્તિકેયની પણ કૃપા પ્રાપ્ત થાય છે. શ્રી સ્કંદમાતાની પૂજા માટે નીચે દર્શાવ્યા અનુસાર મંત્ર છે.
सिंघासनगता नित्यम पद्माश्रितकरद्वया |
शुभदास्तु सदा देवी स्कन्द माता यशश्विनी ||
છઠ્ઠા નોરતે માતા આદ્યશક્તિના છઠ્ઠા સ્વરૂપ શ્રી કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. મહર્ષી કાત્યાયનીએ ખૂબ જ તપસ્યા કરતા માતા આદિશક્તિ પ્રસન્ન થયા અને તેમણે પુત્રી સ્વરૂપે મહર્ષી કાત્યાયનીના ઘરે જન્મ લીધો હતો. આ કારણે તેમને શ્રી કાત્યાયની કહેવામાં આવે છે. માતા કાત્યાયનીનું પૂજન કરવાથી મનોવાંચ્છિત પતિની પ્રાપ્તિ થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. માતા કાત્યાયનીનું પૂજન કરવા માટે નીચે દર્શાવ્યા અનુસાર મંત્ર છે.
कात्यायनि महामाये महायोगिन्यधीश्वरि ।
नन्द गोपसुतं देविपतिं मे कुरु ते नमः ॥
મા આદ્યશક્તિનું સાતમું સ્વરૂપ એટલે કાળરાત્રિ. કાળ એટલે સમય અને વિનાશ. અર્થાત મા કાળરાત્રિ કાળનો પણ નાશ કરે છે. માતા કાળરાત્રિની પૂજા કરવાથી શત્રુ પર વિજય હાંસલ કરી શકાય છે અને જીવન અંધકારથી ઓજસ તરફ જાય છે. માતા કાળરાત્રિની પૂજા માટે નીચે દર્શાવેલા મંત્રનો જાપ કરવો.
वाम पादोल्ल सल्लोहलता कण्टक भूषणा |
वर्धन मूर्ध ध्वजा कृष्णा कालरात्रि भर्यङ्करी ||
શાસ્ત્રો અનુસાર આઠમા નોતરે આદ્યશક્તિના અષ્ટમ સ્વરૂપ શ્રી મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. તેમનો વર્ણ ગૌર છે અને ચાર હાથ તેમજ ત્રણ નેત્ર છે. દુનિયાના તમામ અનિષ્ટ બળોથી માતા મહાગૌરી મુક્તિ અપાવે છે અને ભૌતિક જીવનના તમામ દુઃખોથી મુક્તિ મળે છે. માતા મહાગૌરીની પૂજા માટે નીચે દર્શાવ્યા અનુસાર મંત્ર છે.
श्वेते वृषे समारूढा श्वेताम्बरधरा शुचिः |
महागौरी शुभं दद्यान्त्र महादेव प्रमोददा ||
આદ્યશક્તિનું નવમું સ્વરૂપ એટલે શ્રી સિદ્ધિદાત્રી. જીવનમાં તમામ પ્રક્રારની સિદ્ધિ હાંસલ કરવા માટે તેમજ સફળતાના શિખરે પહોંચવા માટે માતાજીના આ સ્વરૂપની ભાવપૂર્વક પૂજા કરવાથી અચુક ફળ મળે છે. માતા સિદ્ધિદાત્રીની પૂજા માટે નીચે દર્શાવ્યા અનુસાર મંત્ર છે.
सिद्धगधर्व यक्षाद्यैरसुरैरमरैरपि।
सेव्यमाना सदा भूयात सिद्धिदा सिद्धिदायिनी।।
નવરાત્રી-2020- ઘટ સ્થાપના માટે મુહૂર્ત
નવરાત્રી ઘટ સ્થાપનની તારીખ – 17 ઓક્ટોબર 2020
નવરાત્રી ઘટ સ્થાપનની તિથિ – આસો સુદ એકમ
નક્ષત્ર – ચિત્રા/સ્વાતી
ઘટ સ્થાપનના મુહૂર્ત
સવારે 8.40 થી 9.31 સુધી ઉત્તમ મુહૂર્ત છે.
બપોરે 12.25 થી 1.52 સુધી સામાન્ય મુહૂર્ત છે.
બપોરે 1.52 થી 3.18 સુધી લાભ મુહૂર્ત છે જે ઉન્નતિનું પ્રતિક છે.
બપોરે 3.18 થી 4.45 સુધી અમૃત કાળ છે, જે ઘટ સ્થાપન માટે સર્વોત્તમ મુહૂર્ત છે.
સાંજે 6.12 થી 7.45 સુધી લાભ કાળ છે, જે ઉન્નતિકારક છે.
રાત્રે 9.19 થી 10.52 સુધી શુભ કાળ છે જે ઘટ સ્થાપન માટે ઉત્તમ મુહૂર્ત છે.
રાત્રે 10.50 થી 18 ઓક્ટોબરની મધ્યરાત્રીએ 12.25 સુધી અમૃત કાળ છે જે ઘટ સ્થાપન માટે સર્વોત્તમ મુહૂર્ત છે.
માતા આદ્યશક્તિ અને ગણેશજીની કૃપા આપના સાથે રહે તેવી શુભેચ્છા,
16 Oct 2020
View All blogs