For Personal Problems! Talk To Astrologer

જાણો મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણીનું મહાત્મ્ય અને પૂજા-અર્ચના વિશે


Share on :


આ દિવસે શિવની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, ભગવાન શિવે વિષ ધારણ કરી દુનિયાને બચાવી તેના માનમાં આ પર્વ ઉજવાય છે

હિન્દુ શાસ્ત્રમાં દેવાધિદેવ મહાદેવને બ્રહ્માંડના અસ્તિત્વના કારક એવા ત્રિદેવમાંથી એક એટલે  કે મહેશ તરીકે પણ ઓળખવામાં આવે છે.  શાસ્ત્રો અનુસાર બ્રહ્મા સર્જક, વિષ્ણુ પાલક અને મહેશ એટલે કે શિવ સંહારક છે. શિવનો અર્થ કલ્યાણ પણ થાય છે. શિવ માત્ર ભગવાન નથી પરંતુ પંચદેવ પૂજનમાં તેમને મુખ્ય દેવતા તરીકે પણ પૂજવામાં આવે છે. શિવમહિમ્ન સ્ત્રોતમાં તેમને અજન્મા, સર્વનું કારણ, પાલક અને સંહારક ગણાવ્યા.

એક માન્યતા અનુસાર હિમાલયમાં કૈલાશ પર્વત પર નિરાકાર રૂપે શિવજી બિરાજમાન છે. સામાન્યપણે શિવની પૂજા લિંગ સ્વરૂપે કરવામાં આવે છે. હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર શિવની મૂર્તિ અને શિવલિંગ બંનેની પૂજા થઈ શકે છે, કારણ કે બંને શિવના જ પ્રતિક છે. ભગવાન શિવના ભક્તો દ્વારા પુરી શ્રદ્ધા સાથે તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે, ભગવાન શિવને ખુશ કરવા ખૂબ જ સરળ છે અને તેમની કૃપા મેળવવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે. એક મત એવો પણ છે કે ભગવાન શિવની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવમાંથી ૐ ની ઉત્પત્તિ થઈ છે. આથી ઓમકારનું ઉચ્ચારણ અને સ્મરણ ભગવાન શિવની જ પૂજા કહેવાય છે.

મહાશિવરાત્રી એ ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારોમાંથી એક છે. હિન્દુ ભક્તો દ્વારા ખૂબ જ આસ્થા અને ઉત્સાહ સાથે શિવજીની આરાધના કરવામાં આવે છે. મહાશિવરાત્રીનો શાબ્દિક અર્થ શિવજીની રાત થાય છે. જે દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા તે દિવસને શિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાગ અનુસાર મહા મહિનાના કૃષ્ણપક્ષની ચૌદશના રોજ આ પર્વની ઉજવણી થાય છે. શિવરાત્રીના રોજ ભક્તો ખાસ ઉપવાસ રાખે છે અને શિવાલયોમાં જઈને ખાસ પૂજા-અર્ચનામાં ભાગ લે છે. આ દિવસે શિવની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી હોવાની પણ એક માન્યતા છે. આ દિવસે વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશજી તેમના માતા-પિતા શિવ-પાર્વતીનો મહિમા ગાય છે.

દંત કથા

મહાશિવરાત્રી અંગે ગ્રંથો અને શાસ્ત્રોમાં રસપ્રદ કથાઓ જોવા મળે છે. એક દંતકથા અનુસર દેવ અને દાનવો દ્વારા કરવામાં આવેલા સમુદ્ર મંથન વખતે સૌથી પહેલા વિષ પ્યાલો બહાર આવ્યો હતો. આ જોઈને દેવો અને દાનવો ગભરાયા હતા કારણ કે તે પ્યાલામાં સમગ્ર સંસારને ખતમ કરવાની શક્તિ હતી. આ પ્યાલો જોઈને સૌ પાછળ જતા રહ્યા હતા અને કોઈ તેને સ્પર્શ કરવાની હિંમત નહોતા કરતા ત્યારે કોઈને સમજાતું નહોતું કે હવે શું કરવું? આવી સ્થિતિમાં કોઈએ સુચન કર્યું કે મહાદેવની આરાધના કરવાથી તેઓ પ્રસન્ન થશે અને તેઓ જ આ સમસ્યાનો ઉકેલ લાવી શકશે. સૌ કોઈ શિવના શરણે ગયા અને સઘળી વાત કરી હતી. આ કારણ ભગવાન શિવ પોતે જ આ વિષ પ્યાલો પી ગયા હતા અને તેનું ઝેર પોતાના કંઠમાં અટકાવી દીધું હતું કારણ કે શિવનું પેટ એ સમગ્ર દુનિયા ગણવામાં આવે છે અને જો ઝેરનું એક ટીપું પણ પેટમાં પહોંચી જાય તો સર્વનાશ થઈ શકતો હતો. આ કારણે જ ભગવાન શિવે આ ઝેર પોતાના કંઠમાં અટકાવી દેતા તેમનો કંઠ વાદળી રંગનો થઈ જતા ભક્તો તેમને નીલકંઠ તરીકે પણ પૂજે છે. ભગવાન શિવે વિષ ધારણ કરીને સમગ્ર દુનિયાને બચાવી લીધી તેના આનંદમાં પણ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે.

અન્ય એક દંતકથા અનુસાર એક સમયે બ્રહ્મા અને વિષ્ણુ ચર્ચા કરી રહ્યા હતા તે તેમનામાંથી વધુ શક્તિશાળી કોણ છે. ત્યારે અચાનક તેમની સમક્ષ આગની પ્રચંડ જ્વાળાઓમાં ઘેરાયેલું શિવલિંગ પ્રગટ થયું અને બંને દેવો તે જોઈને અચંબિત થઈ ગયા હતા. બંનેએ શિવલિંગની ટોચ જોવા માટે ઉપર ધ્યાન કર્યું પરંતુ ટોચ જોઈ શક્યા નહોતા. આ શિવલિંગ અનંત સુધી વિસ્તરેલું હતું. તેમાંથી ભગવાન શિવનું પ્રાગટ્ય થયું અને તેમણે કહ્યું કે ત્રણેયમાં સૌથી શક્તિશાળી હું છું માટે જ શિવલિંગની પૂજા થાય છે.
એક એવી માન્યતા પણ છે કે જો મહાશિવરાત્રીના રોજ ભુલથી પણ ઉપવાસ કરવામાં આવે તો તેનું ખૂબ જ મોટુ પુણ્ય મળે છે. તેનાથી ભક્તોને ખૂબ મોટો લાભ થાય છે. એવું કહેવાય છે કે એક વખત એક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો હતો. જંગલમાં તે બિલ્વપત્રના વૃક્ષ પર જઈને બેઠો બેઠો શિકારની રાહ જોતો હતો. તેને ખબર નહોતી કે વૃક્ષની નીચે જ ભગવાન શિવનું લિંગ સ્થાપિત કરેલું છે અને તે દિવસે મહાશિવરાત્રીનું પર્વ હતું. શિકારી પોતાનો સમય પસાર કરવા માટે એકપછી એક પાન તોડતો ગયો અને તે પાન શિવલિંગ પર પડતા ગયા. દિવસના પહેલા પહોરમાં એક હરણ પાણી પીવા આવ્યું અને શિકારીએ તીર ચડાવ્યું કે તુરંત હરણે તેના બચ્ચાનું નામ આપીને શિકાર કરવાની ના પાડી. શિકારી તેની વાત માની ગયો અને શિકાર ન કર્યો. ઝાડ પર બેઠા બેઠા ભુખ્યા પેટે તે બિલ્વપત્ર તોડતો ગયો અને શિવજીને તે પત્ર ચડતા ગયા. આખો દિવસ પસાર થયો તો શિવજી પ્રસન્ન થયા અને તેને મોક્ષની પ્રાપ્તિ થઈ.

પૂજા અર્ચના

મહાશિવરાત્રીના દિવસે ભક્તો સવારથી ઉપવાસ કરે છે અને શિવ સ્મરણ કરે છે. આ દિવસે કેટલાક ભક્તો નકોરડા અને નિર્જળા ઉપવાસ પણ કરે છે. શિવની કૃપાથી દુઃખ દૂર થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત કુંવારી કન્યાઓ ઉત્તમ પતિની પ્રાપ્તિ માટે પણ શિવની આરાધાન કરે છે.

આ દિવસે શિવજીની પૂજા-અર્ચના કરવા માટે સવારે વહેલા ઉઠવું, સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને શિવાલયમાં જવું અને શિવલિંગ પર દૂધ, મધ, જળ વગેરેનો અભિષેક કરવો. આ ઉપરાંત શિવજીના મંત્રનો જાપ કરતા કરતા તેમને બિલ્વપત્ર પણ અર્પણ કરવા. આ દિવસે ‘ૐ નમઃ શિવાય’ મંત્રના મહત્તમ જાપ કરવા અને બીજા દિવસે પારણા કરવા.

મહાશિવરાત્રીના રોજ કયા સમયે ભગવાન શિવને શું અર્પણ કરશો?

પ્રથમ પ્રહર : તલ, જવ,કમળ, બિલ્વપત્ર
બીજો પ્રહર : બીજોરુ, લીંબુ, ખીર
ત્રીજો પ્રહર : તલ, લોટ, માલપુવા, દાડમ, કપૂર
ચોથો પ્રહર : અડદ, જવ, મગ, શંખીપુષ્પ, બિલ્વપત્ર

શિવ આરાધનાથી શું લાભ થાય છે?

 • શિવજીને અભિષેક કરવાથી આત્મશુદ્ધિ થાય છે. 
 • શિવજીને ગંઘના સ્નાનથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. 
 • શિવજીને નૈવેધ ધરાવાથી આયુષ્ય વધે છે અને તૃપ્તિ થાય છે. 
 • શિવજી આગળ દીપક પ્રગટાવવાથી જ્ઞાનનો ઉદય થાય છે. 
 • શિવજીને તાંબુલ ધરાવવાથી ભોગની ઉપલબ્ધિ થાય છે. 
 • શિવજીને દૂધનો અભિષેક કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે. 
 • શિવજીને દહીંનો અભિષેક કરવાથી વાહનસુખ અને પશુધન વધે છે. 
 • શિવજીને મધ-ઘી- શેરડીનો અભિષેક કરવાથી લક્ષ્મી અને ધન સુખ વધે છે. 
 • શિવજીને ર્દભના જલથી અભિષેક કરવાથી વ્યાધિની નિવૃત્તિ થાય છે. 
 • શિવજીને ગંગાજળથી સ્નાન કરાવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. 
 • શિવજીને ભાંગ ચઢાવવાથી વિજયની પ્રાપ્તિ થાય છે અને ઈચ્છીત મનોકામના પૂર્ણ થાય છે. (અષ્ટ અધ્યાયી રૂદ્રીના પાંચમા અધ્યાયમાં તેનો દસમો શ્લોક- શત રુદ્રિયમ) જેનો શ્લોક આ પ્રમાણે છે. 

જો શિવાલયમાં જઈને ભગવાન શિવની સમક્ષ બેઠા બેઠા શાંત ચિત્તે શિવ મહિમ્ન સ્તોત્ર, શિવ સ્તુતિ, મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવે તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત માત્ર ૐ નમઃ શિવાય મંત્રનો જાપ પણ કરવામાં આવે તો શિવની પરમ કૃપાના આપ હકદાર બનો છો.

ગણેશજીના આશીર્વાદ સાથે,
GaneshaSpeaks.com ટીમ

12 Feb 2020


View All blogs

More Articles