For Personal Problems! Talk To Astrologer

વર્ષ 2020નું પહેલું સૂર્યગ્રહણ 21 જૂને, જાણો ગ્રહણ અને રાશિઓ પર તેના પ્રભાવ વિશે


Share on :

આ વર્ષે 21 જૂન 2020ના રોજ થનારું આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ખૂૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારતમાં ચંદીગઢ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ સહિતના વિવિધ ભાગોમાં દેખાશે. આ ઉપરાંત કોંગો, મધ્ય આફ્રિકા, પાકિસ્તાન, ઇથોપિયા, ચીન અને આફ્રિકાના અમુક ભાગોમાં પણ આ ગ્રહણ જોવા મળશે. જ્યોતિષશાસ્ત્રની દૃશ્ટિએ મિથુન રાશિમાં થઇ રહેલા આ ગ્રહણની ચાર રાશિ પર ખરાબ અસર નહીં જોવા મળે જ્યારે આઠ રાશિના જાતકોએ કાળજી લેવી જરૂરી છે. મેષ, સિંહ, કન્યા અને મકર રાશિના જાતકોને ચિંતાનું કોઇ કારણ નથી જ્યારે બાકીની આઠ રાશિ એટલે કે, વૃષભ, મિથુન, કર્ક, તુલા, વૃશ્ચિક, ધન, કુંભ અને મીન રાશિના જાતકો પર તેની વત્તા-ઓછા પ્રમાણમાં અસરો જોવા મળે. તેમાં વૃશ્ચિત રાશિના જાતકોએ વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે.

સૂર્યગ્રહણનો સમય અને સૂતક
ભારતીય સમય અનુસાર આ ગ્રહણ પ્રારંભ થવાનો સમય સવારે 10.30 મિનિટ છે. રવિવારે સવારે ગ્રહણ હોવાથી શનિવાર એટલે કે 20 જૂને રાત્રે 10.20 કલાકથી સૂતક બેસી જશે.

ગ્રહણનો સમય
ગ્રહણ આરંભ – 10:20 વાગે સવારે
ગ્રહણનો મધ્યકાળ – 12:02 વાગે બપોરે
ગ્રહણ સમાપ્તિ – 01:49 વાગે બપોરે
સૂર્યગ્રહણ કુલ 3 કલાક 28 મિનિટ 36 સેકન્ડ ચાલશે

સૂતકનો સમય
સૂતક આરંભ– 20 જૂન 2020 09:52 વાગે રાત્રે
સૂતક સમાપ્ત – 21 જૂન 1:49 વાગે બપોરે

આ બાબતોનું ધ્યાન રાખવું
સૂતક સમયમાં કોઇપણ શુભ કાર્ય ના કરવું જોઇએ. ગ્રંથો અનુસાર સૂતકકાળમાં પૂજાપાઠ અને દેવી દેવતાઓની મૂર્તિને પણ સ્પર્શ ના કરવો જોઇએ.
સૂર્યગ્રહણના અશુભ પ્રભાવથી બચવા માટે ખાસ કરીને અસરગ્રસ્ત રાશિના જાતકોએ મહામૃત્યુંજય જાપનું સ્મરણ કરવું જોઇએ. આ ઉપરાંત જરૂરિયાતમંદ લોકોને અનાજનું દાન કરવું જોઇએ. ગ્રહણ પહેલાં તોડીને રાખેલા તુલસીના પાન ગ્રહણકાળ દરમિયાન ખાવાથી અશુભ અસરથી બચી શકાય છે.

ગ્રહણની રાશિવાર અસર
મેષ રાશિ
મેષ જાતકોને તેમની રાશિથી ત્રીજા ભાવમાંથી આ ગ્રહણ થઇ રહ્યું છે જે સાહસ અને પરાક્રમનું સ્થાન છે. આથી આ જાતકોએ કોઇ નવું સાહસ ના ખેડવું જોઇએ અને નાના ભાઇ-બહેનો સાથે કોઇ પ્રકારે મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. કમ્યુનિકેશનમાં કોઇની સાથે તણાવ ન થાય તે પણ ધ્યાન આપવું જરૂરી છે.

વૃષભ રાશિ
આપની વાણીની કડવાશ આપ્તજનો અને નજીકના લોકો સાથે સંબંધોમાં તણાવનું કારણ બની શકે છે માટે સાચવજો. તમે એવા આર્થિક નિર્ણયો લો જેના કારણે નાણાં બ્લોક થઇ જાય અથવા કદાચ નાનું-મોટું નુકસાન પણ થઇ શકે છે. રોકાણ સંબંધિત નિર્ણયો હાલમાં ટાળવાની સલાહ છે. તમને દાંત અથવા મોં સંબંધિત કોઇપણ સમસ્યા થઇ શકે છે અથવા આવી તો ટ્રીટમેન્ટ કરવાની હોય તો હાલમાં ટાળજો. વારસાગત મિલકતો અંગે ચર્ચા કરવાનું ટાળજો.

મિથુન રાશિ
તમારે આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે તેમજ કોઇપણ નકારાત્મક સ્થિતિ ના સર્જાય તેનું પણ ધ્યાન રાખવું. હાલમાં કરેલા પ્રયાસોનું ફળ મળવામાં વિલંબ થશે તેમજ કાર્યમાં અસંતોષ પણ થઇ શકે છે. તમારે સંપૂર્ણ ધ્યાન માત્ર તમારું મનોબળ મજબૂત કરવામાં કેન્દ્રિત કરવાનું છે. પત્ની, ભાગીદાર અને દાદા, દાદી સાથે સૌહાર્દ જાળવજો.

કર્ક રાશિ
બિનજરૂરી ખર્ચ ટાળવો અને શક્ય હોય ત્યાં સુધી દેવુ, ઉધારી અને લોનથી દૂર રહેવું. કાયદાકીય અથવા સરકારી કાર્યોમાં વિશેષ સાવધાની રાખવાની સલાહ છે. ડાબી આંખ અથવા પગમાં ઇજા ના થાય તેની કાળજી રાખવી. વિદેશ સંબંધિત કાર્યોમાં હાલમાં વિલંબ થઇ શકે છે. વ્યય અને તબીબી ખર્ચથી શક્ય હોય ત્યાં સુધી બચવાનો પ્રયાસ કરવો.

સિંહ રાશિ
તમારા માટે આ ગ્રહણ નુકસાનકારક નથી પરંતુ મૂળરૂપે ગ્રહણનો નકારાત્મક પ્રભાવ તો હોય જ છે એટલે અત્યારે મોટા લાભની આશા રાખવી નહીં. કોઇ મિત્ર અથવા સંબંધીના જામીન બનવું નહીં અન્યથા તમારી પ્રતિષ્ઠા અને સંબંધોમાં હાનિ આવી શકે છે. જાહેર સ્થળોએ જવાનું ટાળજો. કોર્ટના કાર્યોમાં સાચવવું તેમજ ઉપરીઓ સાથેના વ્યવહારમાં વિનમ્રતા રાખવી.

કન્યા રાશિ
આ ગ્રહણના કારણે થોડી વિશેષ કાળજી લેવી પડશે કારણ કે તમારી રાશિથી કેન્દ્ર સ્થાનમાં આ ગ્રહણ થતું હોવાથી પ્રોફેશનલ મોરચે ચડાવઉતારની શક્યતા વધશે. તમારા બોસ, પિતા અને સરકારી અથવા વગદાર લોકો સાથે સંબંધોમાં સાચવવું જરૂરી છે. અત્યારે કામનો યશ ના મળે તો નિરાશ થવું નહીં.

તુલા રાશિ
આપના ભાગ્ય પર ગ્રહણની અસર દેખાશે. ઉચ્ચ અભ્યાસમાં પણ અવરોધો આવી શકે છે. મહેનતનું ફળ ના મળવાની તેમજ ભાગયનો સાથ ઓછો મળતો હોવાની તમે ફરિયાદ કરો. પિતા સાથે મતભેદ ટાળજો. અત્યારે આદ્યાત્મિક ઉન્નતિ માટે આગળ વધવામાં આ સમય આપની તરફેણમાં છે.

વૃશ્ચિક રાશિ
આપના માટે આ ગ્રહણ એવા સ્થાનમાં થઇ રહ્યું છે જે નુકસાન કરાવી શકે છે માટે તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. તમારે ગ્રહણના આગળના અને પછીના દિવસે મુસાફરી ના કરવી જોઇએ. આ દિવસમાં શક્ય હોય ત્યાં સુધી મોટા નિર્ણય લેવાનું ટાળજો. ખાસ કરીને આર્થિક અને વારસાગત મિલકતોના નિર્ણયો ટાળવા. મેડિકલ સર્જરીની આયોજન હોય તો ગ્રહણ પૂરું થાય તેના એક અઠવાડિયા સુધી ટાળજો. મહામૃત્યુંજય જાપ કરવાથી તમને ઘણી રાહત મળે.

ઘન રાશિ
આપના માટે આ ગ્રહણ સપ્તમ ભાવમાં થઇ રહ્યું છે જે પત્ની-પતિ-ભાગીદારનું સ્થાન છે માટે સ્વાભાવિકપણે તમારે સંબંધોમાં ખાસ સાવચેતી રાખવી પડશે. કોર્ટ અને કાયદાના ક્ષેત્રો તેમજ જાહેર જીવનમાં સંભાળવું જરૂરી છે. મોટી ઉંમરના લોકોને ગુપ્તભાગોની સમસ્યા થઇ શકે છે. જો તમે પાણી સંબંધિત કોઇ કામ કરતા હોવ તો, અત્યારે સંભાળવું તેમજ દરિયાઇ મુસાફરી ટાળવી. ॐ અચ્યુતાય નમ: મંત્રનો જાપ તમારા માટે ઉત્તમ છે.

મકર રાશિ
આપના માટે છઠ્ઠા ભાવમાંથી ગ્રહણ થઇ રહ્યું હોવાથી નોકરી સંબંધિત તેમજ દૈનિક આવકની બાબતો પર અસર પડી શકે છે. ઉપરી અધિકારીઓ સાથે સંબંધોમાં સૌહાર્દ જાળવી રાખવું. તમારા રોજિંદા કાર્યોમાં અવરોધ આવી શકે છે. જો તમે કોઇ વ્યવસાય કરી રહ્યા હોવ તો તમારા કર્મચારીઓ સાથે મતભેદ થઇ શકે છે. અત્યારે મોસાળ પક્ષની કોઇ વ્યક્તિ સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. કોઇની પાસેથી ઉધારી કરવી નહીં તેમજ ઓપરેશન મુલતવી રાખવું. આંતરડામાં ઇન્ફેક્શનની સંભાવના રહેશે. ગ્રહણકાળ દરમિયાન આદિત્યહૃદય સ્રોતનો પાઠ કરવો.

કુંભ રાશિ
આપના માટે આ ગ્રહણ પંચમ રાશિમાં થઇ રહ્યું હોવાથી ખાસ કરીને વિદ્યાર્થીઓને અભ્યાસમાં કોઇને કોઇ સમસ્યા આવી શકે છે. આ ઉપરાંત, ગર્ભવતી મહિલાઓને પણ સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવાની સલાહ છે. તમારે કોઇપણ સંજોગોમાં આ ગ્રહણ જોવું જોઇએ નહીં. ટીવી અથવા અન્ય માધ્યમોથી પણ ગ્રહણ ના જોવાની સલાહ છે. પરિવારના અન્ય સભ્યો અને ખાસ કરીને સંતાનોને લગતું કોઇ ટેન્શન આવી શકે છે. પ્રેમ સંબંધિત બાબતોમાં સફળતા ના મળે તેમજ હાલમાં સંબંધ સાચવવા માટે વિશેષ પ્રયાસ કરવા પડે. શેરબજાર અથવા કોઇપણ સટ્ટાકીય કાર્યોથી સાવધાન રહેવું.

મીન રાશિ
તમારે માતાનું સ્વાસ્થ્ય સાચવવું પડશે અને સંબંધોમાં સૌહાર્દ જાળવવું પડશે. જમીન, મકાન, બાંધકામ સંબંધિત કાર્યો ના કરવાની સલાહ છે અને આ સેક્ટરમાં કામ કરતા લોકોને મોટા સોદા ટાળવાની સલાહ છે. જો જરૂરી હોય તો તમામ દસ્તાવેજોનો ઊંડો અભ્યાસ કરીને આગળ વધજો. હૃદયમાં એક પ્રકારે ઉદ્વેગ રહ્યા કરે. બ્લડપ્રેશરની સમસ્યા થઇ શકે છે. પેટમાં દુખાવો અથવા પીઠ દર્દ થઇ શકે છે. વાહન ધીમે ચલાવવાની સલાહ છે. આપના માટે ॐ ભાનવે નમ: મંત્રનો જાપ શ્રેષ્ઠ રહેશે.

ગણેશજીના આશીર્વાદ સાથે
આચાર્ય ધર્માધિકારી
GaneshaSpeaks.com ટીમ

16 Jun 2020


View All blogs

More Articles