વિદ્યાર્થીઓને અભ્યાસમાં એકાગ્રતા જાળવવા માટે દરરોજ સવારે સ્ફટિકની માળાથી “ૐ ઐં સ્મૃત્યૈ નમઃ” મંત્રનો જાપ કરવાથી લાભ થશે. જિદ્દી વલણ આપને કોઈને કોઈ પ્રકારે નુક્સાન કરાવી શકે છે માટે “નમે તે સૌને ગમે”ની નીતિ અપનાવજો. કેટલાક વિષયોમાં નકારાત્મક વિચારસરણી આપના મન પર પ્રભાવિત રહેતા આપને ચોક્કસ નિર્ણય પર આવવામાં ઘણી સમસ્યા રહેશે. ક્રોધના કારણે કોઇ સાથે ઝગડો કરી બેસશો. આધ્યાત્મિકતાનો આશરો લેવાથી તમારું મન શાંત બનશે. આ વર્ષના ઉતરાર્ધમાં વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ખૂબ સરસ સમય છે.જો આયોજનપૂર્વક આગળ વધીને તેમજ કારકિર્દીને અનુલક્ષીને મહેનત કરશો તો સિદ્ધિના યોગ પણ નકારી શકાય નહીં. જેમને સ્કોલરશિપ અથવા એજ્યુકેશન લોનની જરૂર હોય તેમને પણ આ કાર્યો પાર પડી શકે છે. તેજસ્વી વિદ્યાર્થીઓ પુરસ્કારરૂપે આર્થિક લાભ મેળવશે. આ વર્ષમાં તમે સામાન્ય અભ્યાસ ઉપરાંત નવું કૌશલ્ય શીખવા માટે કોઈ વિશેષ કોર્સમાં જોડાવ તેવી શક્યતા છે. તમારા શિક્ષક તમારી મહેનતની પ્રશંસા કરશે, જે તમારી માન અને ધગશમાં વધારો કરશે. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ તો પણ સારા પરિણામો મળશે. ઈજનેરી અથવા એમબીએ જેવા ઉચ્ચ અભ્યાસમાં સારી સફળતાની આશા રાખી શકો છો.